ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવાશે ? જાણો વિગત
કોરોના મહામારીના પગલે ૨૦૨૦-૨૧ અને ફાઇલીંગ વર્ષ ૨૦૨૧-૨૨નું ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાનો સમયગાળો પહેલા ૩૦ સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. એ પછી વધારીને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી
નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ ભરતા લોકો માટે સારા સમાચાર છે. જો તમારે હજુ આઈટી રિટર્ન ભરવાનું બાકી હોય તો ગભરાતા નહીં, સરકાર હજુ એક વખત મુદત લંબાવી શકે છે. આમ તો નાણાકિય વર્ષ માર્ચ થી માર્ચ સુધી ચાલે છે. સામાન્ય રીતે ઇન્કમટેક્ષ રિટર્ન જુલાઇના અંત સુધી ફાઇલ કરવામાં આવતું હોય છે પરંતુ કોરોના મહામારીના પગલે ૨૦૨૦-૨૧ અને ફાઇલીંગ વર્ષ ૨૦૨૧-૨૨નું ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાનો સમયગાળો પહેલા ૩૦ સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો હતો. એ પછી વધારીને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. બે વાર રિટર્ન ફાઇલ કરવાનો સમય લંબાવ્યા પછી હજુ પણ આ તારીખમાં વધારો થઇ શકે છે એવી અટકળો થવા લાગી છે. એના માટે તર્ક આપવામાં આવે છે કે ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નું ૩.૫૯ કરોડ લોકોએ આઇટીઆર ફાઇલ કર્યુ છે.
કઈ તારીખ સુધી લંબાવવામાં આવી શકે છે
હવે રિટર્ન ફાઇલ કરવાનો નકકી કરેલી અંતિમ તારીખને 12 દિવસ જેટલો સમય રહયો છે. રોજના સરેરાશ ૬ લાખ જેટલા રિટર્ન ફાઇલ થઇ રહયા છે. એ હિસાબે પણ રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા ઓછી રહે તેવી શકયતા છે. ગત વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ૫.૯૫ કરોડ લોકોએ આઇટી રિટર્ન ફાઇલ કર્યા હતા. કમસે કમ આટલી સંખ્યા જળવાઇ રહે તે માટે ૩૧ જાન્યુઆરીનો સમયગાળો પૂરતો નથી. આના આધારે આઇટી ફાઇલ ડેટ વધે તેવી આશા રાખવામાં આવી રહી છે.
નવા પોર્ટલમાં ખામીના કારણે કરદાતા પરેશાન
નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં આઇટીઆર ફાઇલ કરવા માટે જુન મહિનામાં નવું પોર્ટલ લોંચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ જાણીતી ઇન્ફોસિસ કંપનીએ બનાવી હતી, શરુઆતમાં આ પોર્ટલમાં ખૂબ ખામીઓ હતી જેને ક્રમશ સુધારવામાં આવી છે. પોર્ટલમાં આવતી મુશ્કેલીના કારણે પણ આઇટીઆર ફાઇલિંગમાં કરદાતાઓને તકલીફ પડી હતી.