અમેરિકામાં શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો: રોકાણકારોમાં ફફડાટ, શું ભારતમાં જોવા મળશે અસર?
dow jones falls 1000 points: ડાઉ જોન્સમાં મોટો ઘટાડો, નાસ્ડેક અને S&P પણ લપસ્યા, વેપાર યુદ્ધ અને રાજકીય અનિશ્ચિતતા કારણભૂત, આવતીકાલે ભારતીય બજાર પર રહેશે નજર.

US stock market crash: વૈશ્વિક શેરબજારમાં હાલમાં અનિશ્ચિતતાનો માહોલ છે, અને તેના પરિણામો સોમવારે અમેરિકન શેરબજારમાં સ્પષ્ટપણે જોવા મળ્યા. સપ્તાહના પ્રથમ દિવસે અમેરિકન શેરબજારમાં જોરદાર કડાકો બોલ્યો હતો, જેના કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં ૧,૦૦૦ પોઈન્ટથી વધુનો જંગી ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, ટેકનોલોજી શેરોનો મુખ્ય ઇન્ડેક્સ નાસ્ડેકમાં ૩ ટકાથી વધુ અને S&P ૫૦૦ ઇન્ડેક્સમાં ૨ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકન શેરબજારમાં આ કડાકા પાછળ અનેક પરિબળો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો, અમેરિકા અને ચીન સહિતના દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગેની અનિશ્ચિતતા અને ટ્રેડ વાટાઘાટોમાં પ્રગતિનો અભાવ મુખ્ય કારણો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને પદ પરથી હટાવવાની ઝુંબેશ પણ બજારમાં અનિશ્ચિતતા વધારી રહી છે અને તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિને કારણે યુએસ શેરબજારમાં રોકાણકારોમાં નિરાશાવાદની ભાવના મજબૂત થઈ છે. અમેરિકા અનેક દેશો સાથે ટેરિફ યુદ્ધમાં વ્યસ્ત હોવાથી અને મોંઘવારી તથા મંદી વધવાની દહેશતથી લોકોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે, જેના કારણે બજારમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
શું ભારતીય બજાર પર અસર જોવા મળશે?
અમેરિકન શેરબજારની આ સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારનું પ્રદર્શન આજે અલગ રહ્યું. ગુડ ફ્રાઈડેની લાંબી રજા બાદ સોમવારે ભારતીય બજાર ખુલ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૮૫૫ પોઈન્ટના વધારા સાથે ૭૯,૪૦૮.૫૦ પર અને નિફ્ટી ૨૪,૧૦૦ પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો. બેન્કિંગ શેરોએ ભારતીય બજારને મજબૂત ટેકો આપ્યો હતો. આ ઉપરાંત, અમેરિકન બજારમાં અનિશ્ચિતતા વચ્ચે વિદેશી રોકાણકારોનું રોકાણ ભારતીય બજારમાં પાછું ફરવાનું શરૂ થયું હોવાનું પણ માનવામાં આવે છે, જેનાથી બજાર મજબૂત બન્યું હતું.
જોકે, ભારતીય શેરબજાર હંમેશા અમેરિકન શેરબજારના વલણોથી પ્રભાવિત થતું રહ્યું છે. આવી સ્થિતિમાં, આજે અમેરિકન માર્કેટમાં થયેલા જંગી ઘટાડાની અસર આવતીકાલે સવારે ભારતીય બજાર પર જોવા મળી શકે છે. શક્ય છે કે બજારની શરૂઆત ઘટાડા સાથે થાય, પરંતુ દિવસ દરમિયાન રિકવરી પણ જોવા મળી શકે છે. વૈશ્વિક પરિબળો પર સૌની નજર રહેશે.





















