ગુજરાત સરકારના વધુ એક મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ, મંત્રી થયા હોમ આઇસોલેટ
રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજયકક્ષાના મંત્રી આર. સી. મકવાણા કોરોના સંક્રમિત થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, જેમાં ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજયકક્ષાના મંત્રી આર. સી. મકવાણા કોરોના સંક્રમિત થયા છે.
કોરોનાના લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. હાલ મંત્રી નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થયા છે. અગાઉ કૃષિ મંત્રી રાધવજી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. રાધવજી પટેલે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી. કૃષિ મંત્રી રાધવજી પટેલે ટ્વિટ કરતા કહ્યું, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત, અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805 કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત કોર્પોરેશનમાં 1136, રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા 721, ગાંધીનગર કોર્પોરેશન 325, ભાવનગર કોર્પોરેશન 295, કચ્છ 282, મોરબી 267, રાજકોટ 260, પાટણ 242, સુરત 238, મહેસાણા 231, ભરુચ 190, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, ગાંધીનગર 148, વલસાડ 141, જામનગર કોર્પોરેશન 140, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, અમદાવાદ 80, પંચમહાલ 76, નર્મદા 57, જૂનાગઢ કોર્પોરેશન 54, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, જામનગર 43, દાહોદ 39, જૂનાગઢ 31, ભાવનગર 27, તાપી 19, છોટા ઉદેપુર 17, મહીસાગર 17, અરવલ્લી 14, દેવભૂમિ દ્વારકા 7, બોટાદ 6 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 135148 કેસ છે. જે પૈકી 284 વેન્ટીલેટર પર છે, જ્યારે 134864 નાગરિકો સ્ટેબલ છે. 930938 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,274 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3,રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા 1, ભાવનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સુરત 1, મહેસાણા 1, વલસાડ 1, જામનગર કોર્પોરેશન 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.