(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા
એડિશનલ ડિસ્ટ્રીક જજ એસ. એન. સોલંકીએ આરોપીને સજા સંભળાવી હતી. બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
ગાંધીનગરઃ સાંતેજની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. આરોપી વિજય સાણંદ પાસેના વાંસજડા ગામનો રહેવાસી છે. આરોપી વિજયને 7 વર્ષની દીકરી પણ છે.
આરોપી સામે ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાનો અને એક બાળકીની હત્યા કરવાનોનો આરોપ છે. એડિશનલ ડિસ્ટ્રીક જજ એસ. એન. સોલંકીએ આરોપીને સજા સંભળાવી હતી. આરોપીના વકીલ તરફે કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, બનાવની તારીખ અને બનાવની ઘટનાનો સમય પોલીસ દ્વારા બતાવાયો છે, તેમાં ઘણો ભેદ છે. ફક્ત તેની બાઈક ઉપર વિજય લખેલુ હોઈ અસીલને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે રિમાન્ડ દરમ્યાન પોલીસે ધમકાવી અસીલને ગુનો કબૂલ કરાવેલો છે. આ કેસમાં એક પણ એવો સાક્ષી નથી. જે કોઈ પણ ફોરેન્સિક પુરાવા મળ્યા છે તેની સાથે અમે સહેમત છીએ. પરંતુ નામદાર કોર્ટને નમ્ર અપીલ છે કે અમારા અસીલને ઓછામાં ઓછી સજા થાય.
નોંધનીય છે કે, ગત 5 નવેમ્બરે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. 7 નવેમ્બરે આરોપીની ધરપકડ થઈ હતી. 15મી નવેમ્બરે ચાર્જશીટ ફાઇલ થઈ. આજે 1 ડિસબરે ચુકાદો આવ્યો છે. બચાવ પક્ષના વકીલ હાલ દલીલ કરી હતી. આરોપીની માનસિકતા હેવાનીયત ભરી, તેમ સરકારી વકીલે કહ્યું હતું. આરોપી સામે દાખલારૂપ કડક સજા થવી જોઈએ. ફાંસીની સજા મળે તેવી સરકારી વકીલે દલીલ કરી હતી. આરોપીને છોડી દેવામાં આવે તો સમાજમા ખોટા મેસેજ જશે. આજીવન નહિ પણ ફાંસીની સજા થવી જોઈએ. જજે બંને પક્ષની દલીલો સાંભળી હતી.