Gandhinagar: ‘ગીતામાંથી ભાજપે કઈંક શીખ્યું છે, કર્મ અમે કર્યા ફળ તમે ભોગવો છો’: ધારાસભ્ય કિરીટ પટેલના ભાજપ સરકાર પર ચાબખા
Gujarat Budget Dicussion: સંકલ્પ રજૂ કરતાં નવા શૈક્ષણિક સત્રથી 'ગીતા સાર' અભ્યાસક્રમમાં દાખલ થશે. 'ગીતા સાર' અભ્યાસક્રમ માટેનું પુસ્તક પણ તૈયાર થઈ ગયું છે.
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે સરકાર દ્વારા ગુજરાતી અભ્યાસક્રમોમાં હવે નવા વિષયો અને પાઠો સમાવવા પ્રયાસ હાથ ધરાયો છે, આ અંતર્ગત આજે વિધાનસભામાં 'ગીતા સાર'ને અભ્યાસક્રમમાં સમાવવા માટે મંત્રી પ્રફૂલ પાનસેરિયા સંકલ્પ રજૂ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સંકલ્પ પસાર થયો હતો. સંકલ્પ રજૂ કરતાં નવા શૈક્ષણિક સત્રથી 'ગીતા સાર' અભ્યાસક્રમમાં દાખલ થશે. 'ગીતા સાર' અભ્યાસક્રમ માટેનું પુસ્તક પણ તૈયાર થઈ ગયું છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભાગવત ગીતાને પૂરક અભ્યાસ તરીકે સામેલ કરી હતી
ગીતાસારને અભ્યાસક્રમમાં દાખલ કરવાના સંકલ્પની ચર્ચા દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ સરકારને ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું, ગીતામાંથી ભાજપે કઈંક શીખ્યું છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે , ડ્રોપ ડાઉન રેશિયો વધતો જાય છે, આ બધું છુપાવવા ગીતાનો આસરો લીધો છે. કર્મ અમે કર્યા તેના ફળ તમે ભોગવો છો.
અમારે પણ ગીતા શીખવી છે જો તમે શીખવાડતા હોવ તોઃ કિરીટ પટેલ
આ ઉપરાંત તેમણે કહ્યું, પ્રથામિક શાળામાં સંસ્કૃત ભણાવનારા શિક્ષકો જ નથી. છેલ્લા 25 વર્ષથી ચિત્ર, રમત, સંગીતના શિક્ષકોની ભરતી નથી થઈ. અમારે પણ ગીતા શીખવી છે જો તમે શીખવાડતા હોવ તો,
ભણાવનારા નથી, ભણવા બેસવા ઓરડા નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપની નજર વિરોધ પક્ષ તરફ ફરે છે.
કોંગ્રેસના ધારાસભ્યએ જરૂર વગર સંકલ્પ લાવવાને પબ્લીસિટી સ્ટંટ ગણાવ્યો
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતા સાર દાખલ કરવા અંગેનો સંકલ્પ રજૂ કર્યો હતો. જેને કોંગ્રેસના ધારાસભ્યોએ પબ્લીસિટી સ્ટંટ ગણાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વાંધો ઉઠાવતા કહ્યું, સરકારે નિર્ણય લીધા બાદ મંત્રી દ્વારા સંકલ્પ લાવવાનો ઉદ્દેશ્ય રહેતો નથી. નિર્ણય લાવતા પહેલા ગૃમાં સંકલ્પ લાવી શકાય, નિર્ણય બાદ અમલવારી જવાબદારી સરકારની છે. ગૃહનું હવે આમાં શું કામ રહે છે?
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું, નિયમ 120 અંતર્ગત સરકારી સંકલ્પ લાવવા માટે 7 દિવસનો સમય આપવનો હોય છે. કામકાજ સલાહકાર સમિતીમાં માત્ર મૌખિક ચર્ચા થઈ હતી, નિયમ મુજબ સંકલ્પ લેવાયો નથી, આ માત્ર પબ્લીસિટી સ્ટંટ છે. જ્યારે અર્જુન મોઢવાડિયએ કહ્યું, સરકારના નિર્ણયની અમલવારી કરવા મંત્રી ભલામણ કરવાની જરૂર રહેતી નથી. અધ્યક્ષે બંને તરફની ચર્ચાના અંતે સંકલ્પ રજૂ કરવાની મંજૂરી આપી હતી.