Gandhinagar: સોલાર ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં વાગ્યો ગુજરાતનો ડંકો, રાજ્યના વિકાસને લઈને રાજ્યપાલે જાણો શું કહ્યું?
ગાંધીનગર: અર્નિંગ વેલ' અને 'લિવિંગ વેલ' એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવનધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

ગાંધીનગર: 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે. 'અર્નિંગ વેલ' અને 'લિવિંગ વેલ' એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવનધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્ય સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા માટેની 'થિન્ક ટેન્ક' તરીકે ગુજરાત રાજ્ય દ્વારા ઈન્સ્ટિટ્યુશન કોર ટ્રાન્સ્ફોર્મેશન – ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે.
એક્ટિવ પૉલિસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ‘ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઈસ’ બન્યું છે. પૉલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પૉલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહફાળો છે.
રાજ્યની ઔદ્યોગિક પ્રગતિના સીમાચિન્હ રૂપ ધોલેરા 'પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી' બનવાનું છે. રાજય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્યરિંગ માટે ધોલેરામાં 'પ્લગ એન્ડ પ્લે' સુવિધા વિકસાવી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટૅકનોલૉજીની વાત આવે ત્યારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'માં ગુજરાતના પ્રદાનને યાદ કરવું જ પડે. રાજ્ય સરકારે ‘ગુજરાત સેમિકન્ડકટર પોલિસી ૨૦૨૨-૨૭’ જાહેર કરી છે. દેશભરનાં રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પૉલિસી ગુજરાતે અમલી બનાવી છે. ટૂંકાગાળામાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વના દેશોનું ધ્યાન ખેચ્યું છે. ગુજરાતે પૉલિસી જાહેર કર્યા બાદ માઈક્રોન જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ પણ ગુજરાત સરકારના પ્રયાસોમા સહભાગી થઈ છે.
ગુજરાતે દેશમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૯ માં 'સોલાર પૉલિસી' જાહેર કરી ને સોલાર ઉર્જાના વ્યવસાયિક ઉપયોગ માટે પ્રોત્સાહન આપી તેના વિકાસમાં નવીન માર્ગ કંડાર્યો છે. રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન તેમજ માળખાકીય અને કાયદાકીય ફ્રેમવર્ક થકી ગુજરાતે ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ ૧૬,૭૯૫ મે.વો. કુલ સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરી છે. રાજયએ સોલાર ઉર્જાના જન સાધારણ ઉપયોગ તેમજ વ્યાપ માટે રૂફટોપ સોલારને પણ સતત પ્રોત્સાહન આપી કુલ ૪૮૨૨ મે.વો. સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં રહેલી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશાળ સંભાવના, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિપક્વ એલ.એન.જી. પાઇપલાઇન નેટવર્ક સાથે, ગુજરાત દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા માટે તૈયાર છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ૩૦ લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભુજ-કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત 'પ્રિક્સ વર્સેઇલ્સ ૨૦૨૪ વર્લ્ડ ટાઈટલ' એનાયત કરવામાં આવ્યું છે અને આ ઍવૉર્ડ થકી ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ૨૦૨૪માં વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું. વડનગરમાં પુરાતન નગરીના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં, પરંતુ વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. આ મ્યુઝિયમે વડનગરની અઢી હજાર વર્ષની યાત્રાને જીવંત કરવાનું કામ કર્યું છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતી પરેડમાં લોકપ્રિયતાની શ્રેણીમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્માંક પ્રાપ્ત થયો છે જે, આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચો....



















