(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં રાજ્ય સરકારે કર્યો મોટો ફેરફાર, જાણો નવા નિયમો
ગાંધીનગર: વરિષ્ઠ વડિલો શરૂ કરવામાં આવેલ શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બસ ભાડામાં ૫૦% રકમ સહાયમાં વધારો કરી ૭૫% સુધીની સહાય ચુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: વરિષ્ઠ વડિલો શરૂ કરવામાં આવેલ શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બસ ભાડામાં ૫૦% રકમ સહાયમાં વધારો કરી ૭૫% સુધીની સહાય ચુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (૬૦ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં વધારો કરી ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીની જોગવાઈ કરવામાં આવી છે. ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે.
શ્રવણતીર્થ યોજના અંતર્ગત ઓછામાં ઓછા ૩૦ વરિષ્ઠ નાગરિકોના સમૂહના બદલે હવે ૨૭ની વરિષ્ઠ નાગરિકોના સમૂહને મળશે. આ યોજનાના સરળીકરણ તથા રોજગારીના સર્જન માટે નિગમની ૧૬ વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજ્યના વરિષ્ઠ નાગરિકો-સિનીયર સિટીજન્સને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.
આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની ૫૦% રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી. ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડુ અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની ૭૫% કે તેથી વધુ રકમની સહાય અપાશે.
એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે
વડીલો અરજીમાં યાત્રા ક્યારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું હતું અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની જોગવાઈ હતી અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ ગણાતી હતી, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજૂરી મેળવવાની રહેતી હતી તથા આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થતી નહોતી, જેના સ્થાને હવે યાત્રાની તારીખના એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં.
હવે બસના ભાડાની સહાય ઉપરાંત અન્ય સગવડો જેવી કે, ભોજન તેમજ રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિદીઠ અમુક ઉચ્ચક રકમની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જો વ્યક્તિ આધારકાર્ડની સ્વયં પ્રમાણિત નકલ રજુ કરેલ હોય તો તેને બે પાસપોર્ટ સાઈઝના ફોટા રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં તેમ અગાઉ ઠરાવવામાં આવ્યું હતું પરંતુ હવે લાભાર્થીએ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.