![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Monsoon: રાજ્યના 48 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ
દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ છે. સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
![Gujarat Monsoon: રાજ્યના 48 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ Gujarat Monsoon 48 dams of the state on high alert over 57 percent water storage in Sardar Sarovar Dam Gujarat Monsoon: રાજ્યના 48 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/24/25049c18a7637414abdaeb06a1d783b01721784547805954_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Monsoon Update: રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.૪૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૦૯,૬૬૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં ૭૯,૨૭૪ ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક, દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આાગાહી કરવામાં આવી છે. નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
પ્રવાસન સ્થળ દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)