હેડ ક્લાર્ક પરીક્ષા કૌભાંડઃ સરકારે પરીક્ષા કરી દીધી રદ, ગૃહમંત્રીએ કરી જાહેરાત
આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ કરવામાં આવે છે. હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું.
તેમણે કહ્યું કે, પેપર લીક કાંડમાં તાત્કાલીક તપાસના આદેશ અપાયા. પેપર લીક કાંડના મીડિયાના અહેવાલ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી. પેપર લીક કાંડ કેસમાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પેપર લીક કાંડ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદીન સુધીમાં 30 લાખની રોકડ જપ્ત કરી છે. આવનારા દિવસોમાં રોકડની રકમ વધશે તેવી આશંકા છે. તમામ આરોપીઓ સામે કડકમાં કડ પગલા લેવામાં આવશે. આ ઐતિહાસિક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સંકલન કરાશે. ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવા માટે વિભાગો વચ્ચે સંકલન કરાશે.
નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી લીધી છે. જયેશ પટેલ સહિત બે પરિક્ષાર્થીની પણ ધરપકડ કરાઈ. રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુની ધરપકડ કરાઈ.
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સાબરકાંઠા પોલીસ દ્વારા આ કાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. ત્યારે આઠ આરોપીઓમાંથી એક તો સરપંચની ચૂંટણી લડી રહ્યો હોવાનો ધડાકો થયો છે.
આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની પોલીસે કરી અટકાયત હતી. મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. તેઓ કિટલીના ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા હતા. તેમનું પુરું નામ મહેન્દ્રકુમાર શંકરલાલ પટેલ છે. જોકે, પેપરકાંડમાં તેમનું નામ ખુલતા તેમનું ચુંટણી લડવાનું સપનું રોળાયું છે અને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, આવતી કાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે પોગલું ગામના સરપંચના ઉમેદવારની પેપરકાંડમાં ધરપકડ થતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.