![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Gandhinagar News: માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો આજથી ઇ-કુટિર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે.
![Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા In this scheme of Gujarat government you will get free toolkit for 10 types of activities including milk curd selling pickle papad making know what is the age and income limit Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/20555bf30c922d80a987228bb44acb6d1718632709441129_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Latest Gandhinagar News: રાજ્યના છેવાડાના દરેક નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana) અંતર્ગત સાધન-ઓજારો એટલે કે, ટૂલકિટ (Toolkit) આપવામાં આવે છે. આ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે શુભારંભ કરાયો હતો. રાજ્યના અરજદારો આજથી એટલે કે તા. ૩ જુલાઈ, ૨૦૨૪થી આગામી બે મહિના સુધી આ www.e-kutir.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
આ ઉપરાંત મંત્રીના હસ્તે વળતર માન્યતા ધરાવતી ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળોના જિઓ ટેગીંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી હતી.
યોજનાનો લાભ લેવા કેટલી છે વય મર્યાદા અને આવક
માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ દહીં વેચનાર, અથાણાં-પાપડ બનાવટ, ભરતકામ, બ્યુટીપાર્લર જેવા વિવિધ ૧૦ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિના મૂલ્યે ટૂલકીટ આપવામાં આવે છે. આ યોજનામાં ૧૮ થી ૬૦ વર્ષની વયના અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા તમામ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે.
કેવી રીતે મળશે યોજનાનો લાભ
છેવાડાના નાગરીકોનું જીવનધોરણ વધુ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણીને અંતે પસંદ કરેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મંજૂરી મેળવેલ લાભાર્થીઓને નિયત નાણાંકીય મર્યાદામાં પસંદગી મુજબના સાધન-ઓજાર વિનામુલ્યે ઈ-વાઉચર દ્વારા આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ પ્રવિણ કે. સોલંકી, નાયબ સચિવ નિલેશ મોદી, ઉપ સચિવ યોગીના પટેલ, સંયુક્ત નિયામક એ.એમ.પંચાલ, પ્રોજેક્ટ મેનેજર જી.એલ. પટેલ અને પી.ટી.પરમાર , તથા પી.એમ.યું. ટીમના આઇટી એક્સપર્ટ ધ્રુમિલ પ્રજાપતિ તેમજ જી.આઇ.પી.એલના મેનેજર જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)