PMના ચૂંટણી લક્ષી કાર્યક્રમોમાં વિરોધથી દૂર રહેવા અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે ક્ષત્રિય સંકલન સમિતિનું આહવાન
સંકલન સમિતિ મુજબ આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્રના ધ્યેય સાથે ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે.
Lok Sabha Elections: રાજપૂત સંકલન સમિતિની પત્ર થકી ક્ષત્રિય સમાજને PMના ચૂંટણી લક્ષી કાર્યક્રમોમાં વિરોધથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. પત્ર મુજબ, ભાજપ વિરોધી મતદાનની સાથે અસ્મિતા આંદોલન યથાવત રહેશે. શાંતિપૂર્ણ લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે. ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે સંકલન સમિતિનું આહવાન છે. સુરક્ષા જોખમાય કે ખામી ઉભી થાય તેવુ ક્ષત્રિય સમાજ વિચારે નહી
સમસ્ત ક્ષત્રિય સમાજ જોગ સંદેશ
ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે. આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્ર ના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે. પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બોયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.
સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલ ચર્ચા - વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે. આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાઈ રહી છે. વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી. તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં. માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે વડાપ્રધાનની ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમના સ્થળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધેર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે.