Gandhinagar: સૂરીનામના રાષ્ટ્રપતિ બન્યા ગુજરાતના મહેમાન, ભારતને લઈને જાણો શું કરી મોટી વાત
ગાંધીનગર: સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના મહેમાન બન્યા છે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
ગાંધીનગર: સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના મહેમાન બન્યા છે. સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ અવસરે સંતોખીએ કહ્યું કે, ભારત અને સૂરીનામ વચ્ચે ભલે અંતર ઘણું છે, ભલે સાઈઝમાં મોટો તફાવત છે પરંતુ બંને દેશોના અંતર-હૃદયથી મળેલા છે. આત્માથી બંને દેશો એક જ છે, એવી અનુભૂતિ મને અહીં આવીને થઈ રહી છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં ગુજરાત અને સૂરીનામ ગણરાજ્ય વચ્ચે ઓઇલ એન્ડ નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને આદાન-પ્રદાન માટે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાત આજે જે ગતિથી ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે તે પ્રધાનમંત્રીની પ્રગતિશીલ વિચારધારાને આભારી છે. મૃદુ અને દૃઢનિશ્ચયી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અનેક ક્ષેત્રે અગ્રેસર છે. 'વસુધૈવ કુટુંબકમ્ 'ની વિભાવના અમારા સંસ્કારોમાં છે અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે તેમાં પણ આ જ ભાવના સિદ્ધ થઈ રહી છે. સૂરીનામ અને ભારત વચ્ચે ઘણી સામ્યતા છે એમ કહીને તેમણે કહ્યું કે, બંને દેશોના પૂર્વજો એક છે, સાંસ્કૃતિક વિરાસત એક છે.
સૂરીનામ ગણરાજ્ય પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીના સિદ્ધાંતોનું સન્માન કરીને અનુસરે છે. સૂરીનામ ગણરાજ્ય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવો અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સમાધાન છે, જળ વ્યવસ્થાપનનું મોટું ઉદાહરણ છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટેની અનિવાર્યતા છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. સૂરીનામ ગણરાજ્યને આ માટે ભારત તમામ મદદ કરશે. ગુજરાત અને સૂરીનામ ગણરાજ્યના સંબંધોથી બંને દેશોનું કલ્યાણ થશે, બંને દેશોના લોકોને લાભ થશે.
સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ ગુજરાતમાં આવીને સન્માન અને ગૌરવની લાગણી અનુભવતાં કહ્યું કે, અહીંનો દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક મિશનની માફક કામ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત માત્ર ભારતીયોના કલ્યાણ માટે જ નહીં સૂરીનામ જેવા ઘણા દેશો માટેના કલ્યાણ માટે છે. કોરોનાના કપરા સમયમાં ભારતે ખૂબ ઓછા સમયમાં રસી શોધી કાઢી, એટલું જ નહીં અન્ય દેશોને પણ વેક્સિન આપીને કટોકટીના સમયે મદદ કરી છે. આ માટે પણ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
સૂરીનામ ગણરાજ્ય હંમેશા ભારતના સમર્થનમાં રહેશે એમ કહીને રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, ભારત પાસે જ્ઞાન અને શાણપણ બંને છે. ભારતે સમન્વય અને સંવાદથી વિશ્વમાં સંવાદિતાના પ્રસાર માટે પ્રયત્નો કર્યા છે. અહિંસા જેના ઇતિહાસમાં છે એવા ભારતના નેતા નરેન્દ્ર મોદી હવે વૈશ્વિક નેતા છે. અન્ય દેશો પણ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ભારત ભણી મીટ માંડીને બેઠા છે. અન્ય દેશો સરહદો, શક્તિ અને સંઘર્ષમાં સક્રિય છે ત્યારે ભારતે મૂલ્યો અને નૈતિકતાથી ઘણી ઊંચાઈ હાંસલ કરી છે. 'વસુધૈવ કુટુંબકમ્' ની લાગણી સાથે સૂરીનામ ગણરાજ્ય પણ ભારત સાથે પરિવારભાવની લાગણી અનુભવે છે.
સૂરીનામ ગણરાજ્યમાં વ્યાપાર, ઉદ્યોગ અને મૂડીરોકાણના ક્ષેત્રોમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે, એમ કહીને મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, પ્રેમ, વિશ્વાસ અને એકતાથી પરસ્પરનો સહયોગ અને સહકાર વધુ દ્રઢ થશે. તેમણે આ માટે ગુજરાત સાથે એમઓયુ કરવાની ઈચ્છા પણ પ્રદર્શિત કરી હતી. આવનારા 25 વર્ષોમાં ભારત અને ગુજરાત આઝાદીનો અમૃતકાળ ઉજવશે. અમૃતકાળ દરમિયાન ગુજરાત અને ભારતમાં થનારા વિકાસકામોનો લાભ સૂરીનામને પણ મળે એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, સૂરીનામ ખેતીપ્રધાન દેશ છે. ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે અમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તૈયાર છીએ. તેલ અને પ્રાકૃતિક ગેસના સારકામ અને વિતરણના ક્ષેત્રમાં સૂરીનામમાં વ્યાપાર-ઉદ્યોગની વધુ સંભાવનાઓ છે. ગુજરાતની-ભારતની કંપનીઓ મૂડીરોકાણ માટે આગળ આવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો. પરસ્પરમાં વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સંસ્કૃતિની પરંપરા જાળવતા એકમેકના સહયોગથી આગળ વધીશું એમ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું.
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે આ બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, ગુજરાત પણ સૂરીનામ ગણરાજ્ય સાથે ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરવા-સમજૂતીના કરાર કરવા ઉત્સુક છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અર્થતંત્રના વિકાસ માટે અને ઉત્પાદકતા માટે લાભદાયી છે. ડેરી ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ ગુજરાત તેની નીપુણતાના લાભો આપી શકે તેમ છે. ટેકનોલોજી, યંત્રો અને કાર્યકુશળ માનવશક્તિથી ગુજરાત સૂરીનામ ગણરાજ્યને તેની ઉત્પાદકતા, વેપાર-વ્યવસાયમાં મૂલ્યવર્ધનમાં ઘણું મદદરૂપ થઈ શકશે. ગેસ વિતરણના ક્ષેત્રમાં પણ ગુજરાત ઘણું યોગદાન આપી શકશે. ગુજરાત પાસે પોતાની ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી છે અને ઇલેક્ટ્રીક વ્હીકલ્સના ઉત્પાદનમાં પણ ગુજરાતે ઘણી પહેલ કરી છે. એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ગુજરાત સૂરીનામ સાથે જોડાઈ શકે છે. પંકજ કુમારે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિની મુલાકાત બદલ ગુજરાતવતીથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ યાત્રા સૂરીનામ અને ગુજરાત માટે સીમાચિન્હ બની રહેશે એમ કહ્યું હતું.
સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે ફર્સ્ટ લેડી શ્રીમતી મેલીસા કે. સંતોખી પણ પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિ ભેટ આપી હતી. જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ ફર્સ્ટ લેડી મેલીસા સંતોખીનું શૉલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ બેઠકમાં સૂરીનામ ગણરાજ્યના ડેપ્યુટી સ્પીકર દિવાનચંદ્રબોઝ શરમન, વિદેશ બાબતોના મંત્રી આલ્બર્ટ આર. રામદિન, સૂરીનામના ભારત ખાતેના રાજદૂત અરુણકોરમર હાર્દિન, રાજદૂત શ્રીયુત જ્હોન સી. ઈલાહી અને ગુજરાતના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિના સન્માનમાં રાજભવન ખાતે રાજ્યભોજનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો પણ જોડાયા હતા.