Gandhinagar: ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું, બિનઅધિકૃત બાંધકામ કાયદેસર થશે
ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું. બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક રજૂ કરાયું હતું. અગાઉ વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોગ્રેસે હોબાળો કર્યો હતો. સત્રમાં કોગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ બાબતે કોગ્રેસે વોકઆઉટ કર્યું હતું. રાજ્યપાલના સંબોધનની નકલ ન મળવાનો અર્જુન મોઢવાડિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો. આભાર પ્રસ્તાવ માટે પૂરતો સમય ન હોવાની દલીલ મોઢવાડિયાએ કરી હતી.
અગાઉ ગૃહના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ગૃહના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી શંકર ચૌધરીના નામનો તો મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપાધ્યક્ષ પદે જેઠાભાઈ ભરવાડના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને પ્રસ્તાવને ગૃહના તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યા હતા. આ સાથે જ શંકર ચૌધરી હવે 15મી વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. તો જેઠાભાઈ ભરવાડ ગૃહના ઉપાધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા શંકરભાઈ ચૌધરીએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો. આ સાથે જ તટસ્થતાથી લોકશાહીને બળવતર બનાવવા કામ કરવાની અધ્યક્ષે ખાતરી આપી હતી.
આ તરફ વિધાનસભાના અધ્યક્ષની નિયુક્તિને લઈ વિપક્ષ કૉંગ્રેસે સવાલ ઉભા કર્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નિવેદન આપ્યું કે સત્તા પક્ષ ભાજપે વિધાનસભાની પરંપરા તોડી છે. દર વખતે અધ્યક્ષ નક્કી કરતી વખતે સત્તા પક્ષ વિપક્ષને પૂછે છે. પરંતુ આ વખતે બહુમતી મળી તો વિપક્ષ સાથે શિષ્ટાચાર કરવાનું પણ ચૂક્યાનો આરોપ શૈલેષ પરમારે લગાવ્યો હતો. આ સાથે શૈલેષ પરમારે હુંકાર કર્યો કે ગૃહમાં કૉંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું ચોક્કસ છે, જોકે જુસ્સામાં જરા પણ ઘટાડો થયો નથી. ભૂતકાળમાં પ્રજાના મુદ્દાઓ જે રીતે ઉઠાવતા હતા તે જ રીતે ઉઠાવીશું. પાંચ વર્ષના કાર્યો અંગે જવાબ આપવાની પરંપરા પણ શાસક પક્ષ પુનઃ શરૂ કરે તેવી માંગ કરી હતી. તો કૉંગ્રેસના વાર પર શાસક પક્ષ તરફથી જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. વાઘાણીએ પલટવાર કર્યો કે કૉંગ્રેસ પક્ષના નેતાને જ નક્કી કરી શકતી નથી. આજે પણ કૉંગ્રેસ પક્ષના નેતા નક્કી કરી શકી નથી. તો કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નવનિયુક્ત અધ્યક્ષ સમક્ષ ગૃહની કામગીરીનું લાઈવ પ્રસારણ કરવા મંજૂરી માંગી હતી.
રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું, એક દિવસીય સત્રમાં રાજ્યપાલે અભિનંદન પ્રસ્તાવ રજુ કર્યો, કોઇ નિતિ વિષયક નિર્ણય લેવાના ન હતા. 29 ડિસેમ્બર 2002માં પણ એક દિવસીય સત્ર બોલાવાયુ હતું. અધ્યક્ષે પોતાના પાવરથી ચર્ચાનો સમય આપ્યો. રાજ્યપાલના પ્રવચનની બુક લેટ દરેક ધારાસભ્યના તેમના ખાનામાં મુકવામાં આવી હતી પણ કોંગ્રેસ કોઇ પણ મુદ્દે વિરોધ કરવા માંગતી હતી માટે વિરોધ કરી વોક આઉટ કર્યો. બંધારણીય જોગવાઇનો ભંગ થયો નથી. અધ્યક્ષે કોઇ પણ નેતાનું નામ આપવા સુચના આપી હતી, કોંગ્રેસે તે સ્વિકાર્યુ ન હતું માત્ર વિરોધ કર્યો હતો.