Sabarkantha: સાબરકાંઠામાં સાડા આઠ લાખ પશુઓ સામે માત્ર 11 જ પશુ ચિકિત્સકો, 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની જાહેરાત માત્ર કાગળ પર
સાબરકાંઠા: જિલ્લામાં આઠ લાખ ચાલીસ હજાર જેટલા પશુઓની સારવાર માટે માત્ર 27 જેટલા જ સરકારી પશુ દવાખાના સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત છે.
સાબરકાંઠા: જિલ્લામાં આઠ લાખ ચાલીસ હજાર જેટલા પશુઓની સારવાર માટે માત્ર 27 જેટલા જ સરકારી પશુ દવાખાના સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત છે. જોકે 27 પશુ દવાખાનામાં માત્ર 11 પશુ ચિકિત્સકો હોવાને લઈ હાલતો સ્થાનિક પશુપાલકોને ખાનગી પશુચિકિત્સકોનો સહારો લેવો પડતો હોય છે. જોકે ખાનગી પશુચિકિત્સક પાછળ પશુપાલકોએ મસ મોટી ફી ખર્ચ કરવી પડતી હોય છે.
જિલ્લામાં 27 સરકારી પશુ દવાખાનાઓ કાર્યરત છે
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે લોકો પશુપાલન અને ખેતી આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે. જિલ્લામાં આઠ લાખ ચાલીસ હજાર જેટલા પશુઓ નોંધાયેલા છે, જેમાં 2 લાખ 62 હજાર ગાય અને 2 લાખ 20 હજાર ભેંસની નોંધણી થયેલી છે ત્યારે જિલ્લાના પશુપાલકો માટે જિલ્લામાં 27 સરકારી પશુ દવાખાનાઓ કાર્યરત છે. પરંતુ સરકારી દવાખાનામાં માત્ર 11 જ પશુચિકિત્સકો ફરજ નિભાવી રહ્યા છે. જોકે જિલ્લામાં 15 જેટલી મોબાઈલ ડિસ્પેન્સરી વાન ૧૬૦ જેટલા ગામડાઓને કવર કરતી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા અગાઉના વર્ષોમાં દર 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેનો લાભ સાબરકાંઠા જિલ્લાને મળ્યો ન હોવાનું પશુપાલકો માની રહ્યા છે.
કેટલાય ગામડાઓ એવા છે કે જે માત્ર ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ તે ગામડાઓમાં પશુ ચિકિત્સકના હોવાના કારણે તેઓએ ખાનગી પશુ ચિકિત્સકનો સહારો લેવો પડતો હોય છે અને ખાનગી પશુ ચિકિત્સક મસ્ત મોટી ફી વસૂલતા હોય છે. જોકે પશુ આધારિત નિર્વાહ કરતા પરિવારો પર એક વિઝીટ 1500 રૂપિયા જેટલો ખર્ચ લાગતો હોય છે જેના કારણે આર્થિક ભારણ પશુપાલકોને લાગતું હોય છે. જોકે ગામ દીઠ સરકારી પશુ દવાખાનુ હોય તો પશુપાલકોને આર્થિક ભારણ ઓછું થઈ શકે છે. સાથે જ પશુપાલકો પણ ગામમાં સરકારી પશુ ચિકિત્સાલય બનાવવા માટે માગ કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે દર 10 ગામ દીઠ એક પશુ દવાખાનાનું નિર્માણ કરવાની યોજના ગડાઈ હતી. હાલ સ્થિતિ કંઈક અલગ જ છે આમ તો સાબરકાંઠા જિલ્લામાં કુલ 701 ગામડાઓ છે અને 512 ગ્રામ પંચાયતો સાબરકાંઠા જિલ્લામાં છે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં માત્ર 27 જેટલા પશુ દવાખાનાઓ કાર્યરત છે. જોકે 15 જેટલી મોબાઈલ વાન પશુ સારવાર માટે કાર્યરત છે પરંતુ અંદાજિત 50 જેટલા પશુ દવાખાનાઓ સાબરકાંઠા જિલ્લામાં હોવા જોઈએ જેની સામે માત્ર 27 પશુ દવાખાનાઓ હાલ કાર્યરત છે. જોકે પશુ દવાખાનાઓ અને પશુ ચિકિત્સકોની પૂરતી સુવિધા ના હોવાના કારણે હાલ તો મહામુસીબતે પશુપાલન અને ખેતી આધારિત જીવન નિર્વાહ કરતા પશુપાલકોને પશુ સારવાર માટે આર્થિક બોજ સહન કરવો પડતો હોય છે ત્યારે જિલ્લાના પશુપાલકો સરકારને દર 10 ગામ દીઠ એક પશુ દવાખાનું અને પશુચિકિત્સકની હાલ તો માગ કરી રહ્યા છે.
એક તરફ સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે અનેક પ્રકારની નીતિઓ ગડી છે જેના થકી પશુપાલકોને અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થઈ રહી છે પરંતુ હાલ તો સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો પોતાના પાલતુ પશુઓને સરકારી પશુચિકિત્સક થકી સારવાર મળી રહે એ માટે સરકાર પાસે પશુ ચિકિત્સાલયની માગણી કરી રહ્યા છે.