રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 508 એક્ટિવ કેસ છે જે પૈકી 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે સ્વસ્થ થયેલા 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
તે સિવાય અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા. જ્યારે 20 વર્ષીય સગર્ભા યુવતીનું મોત થયું હતું. અત્યાર સુધી શહેરમાં કોરોનાથી 3 મહિલાના મોત થયા છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં 401 કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. સૌથી વધારે એક્ટિવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં છે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં કુલ 47 એક્ટિવ કેસ છે. તેની સામે તેના કરતા બમણા એક્ટિવ કેસ માત્ર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરત શહેરમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાયા હતા. સુરતના પાલમાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના થયો છે. બે દર્દીઓ હોસ્પિટલમાં, પાંચ હોમ આઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 35 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,302 થઈ ગઈ છે, જેમાં કેરળમાં સૌથી વધુ 1,373 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 510, ગુજરાતમાં 461 અને પશ્ચિમ બંગાળમાં 432 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મોત
રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછામાં ઓછા 457 કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 44 કોવિડ-સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા સાત મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં પણ કોવિડ-સંબંધિત એક-એક મૃત્યુ નોંધાયુ છે.
કેન્દ્રએ રાજ્યોને તૈયાર રહેવા જણાવ્યું છે
આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ડૉ. સુનિતા શર્માની અધ્યક્ષતામાં 2 અને 3 જૂનના રોજ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી.





















