ગુજરાત પોલીસમાં વધુ એક પ્રમોશનનો રાઉન્ડ, ૩૩ PSI ની PI તરીકે હંગામી બઢતીના આદેશ, જુઓ યાદી
રાજ્ય પોલીસ દળના ૩૩ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૨માં કામચલાઉ બઢતી આપવામાં આવી.

Gujarat Police PSI PI promotion: ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ૩૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ના હોદ્દા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે.
હુકમમાં જણાવ્યા અનુસાર, નીચે દર્શાવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પે મેટ્રિક્સના લેવલ નંબર ૭ (રૂ. ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦) માંથી લેવલ નંબર ૮ (રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦) માં કામચલાઉ ધોરણે બઢતી આપવામાં આવી છે.
આ તમામ બઢતી પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બઢતી નામદાર સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલ નંબર ૧૬૬૪૬/૨૦૧૬માં આવનાર આખરી ચુકાદાને આધીન રહેશે.
ઉપરાંત, ક્રમ-૧ થી ૪ ઉપરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને તેમના જુનિયરને બઢતી મળી તે તારીખ એટલે કે ૨૦/૦૨/૨૦૨૫થી સંભવિત તારીખના નોશનલ લાભ સાથે બઢતી આપવામાં આવે છે. જ્યારે ક્રમ-૩૦ ઉપરના શ્રી જીતેશકુમાર કાળસીંગભાઈ બારીયાની બઢતી તેમની સામે નામદાર કોર્ટમાં દાખલ ફોજદારી રીવીઝન અરજી નંબર ૩૨૩/૨૦૨૩ના પરિણામને આધીન રહેશે.


હુકમમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ બઢતી પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક આપવાના વિગતવાર હુકમો હવે પછી અલગથી કરવામાં આવશે. જ્યાં સુધી વિગતવાર નિમણૂંકના હુકમ ન થાય ત્યાં સુધી આ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હાજર ગણી તેઓના હાલના ફરજના સ્થળે નિમણૂંક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવશે.
આ બઢતી કેટલીક શરતોને આધીન આપવામાં આવી છે, જેમાં તા.૧૬/૧૨/૨૦૨૪ની સ્થિતિએ અને ત્યાર બાદ કોઈ ખાતાકીય તપાસ, એસ.સી.એન., કોર્ટ કેસમાં શિક્ષા થયેલ હોય અથવા પડતર હોય, અથવા હાલ ફરજમોકુફ હોય તો બઢતી પર હાજર નહીં કરવા અંગેની સૂચનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તા.૧૬/૧૨/૨૦૨૪ની સ્થિતિએ વેલિડ એલ.એમ.વી. લાયસન્સ હોવું અને સામાન્ય વહીવટ વિભાગના નિયમો અનુસાર સીધી ભરતીના ફાળે આવતી ખાલી જગ્યાઓ પર બઢતી આપવામાં આવી હોવાથી નિયમિત પ્રવરતા માટેની જોગવાઈઓ પણ લાગુ થશે.
બઢતી પામેલા અધિકારીઓએ પોતાની બઢતીવાળી જગ્યાએ જવા માટે આનાકાની કરશે તો તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને તેની નોંધ તેમની સેવાપોથીમાં કરવામાં આવશે. તમામ બઢતી પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોએ તા.૧૬/૧૨/૨૦૨૪ની સ્થિતિએ અથવા તે પહેલાં સી.સી.સી. પ્લસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારના નિયમો અનુસાર તેમાંથી મુક્તિ મેળવેલી હોવી જોઈએ.





















