(Source: Poll of Polls)
Banaskantha : થરાદ-ડીસા હાઇવે પર કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 લોકોના મોત
બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે. ખોરડાં ગામ નજીક ડમ્પરે કારને અડફેટે લેતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે.
બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે. ખોરડાં ગામ નજીક ડમ્પરે કારને અડફેટે લેતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. બનાસકાંઠાના વાવનો એક પરિવાર ઊંઝાથી ઘરે પરત ફરી રહ્યો હતો. એ સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મૃતકોમાં દંપતી અને તેમના બે પુત્રો સામેલ છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
કારમાં સવાર પરિવારના સભ્યોના મોત થયા છે. ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. તો ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
ખોરડા પાસે હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
સુરતમાં અકસ્માતમાં એકના એક દિકરાનું મોત
સુરતના ડીંડોલી વિસ્તારમાં મહારાષ્ટ્રના પુણેમાં BSCનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકસ્માતની ઘટનામાં કરુણ મોત થયું છે. મોત નિપજતા પાટીલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માતાના ઓપરેશન અર્થે બે દિવસ પહેલા જ વિદ્યાર્થી સુરત આવ્યો હતો. ડીંડોલી ખાતે રહેતા મિત્રનો જન્મદિવસ હોવાથી પોતાના અન્ય બે મિત્રો જોડે મોટર સાયકલ ઉપર ચા પીવા માટે નીકળ્યો હતો. જ્યાં ટેમ્પોના પાછળ મોટરસાયકલ ભટકાતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોને સામાન્ય નાની -મોટી ઈજાઓ થઈ હતી. ઘટના અંગે ડીંડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપર બનેલી અકસ્માતની ઘટનામાં પરિવારના આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. ડીંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ચંદ્રકાંત તુકારામ પાટીલ નામનો વિદ્યાર્થી પુણે ખાતે છેલ્લા ચાર વર્ષથી Bscનો અભ્યાસ કરે છે. સુરત ખાતે રહેતા માતાનું ઓપરેશન હોવાથી પુનાથી તે સુરત આવ્યો હતો. ડીંડોલી વિસ્તારમાં રહેતા મિત્રનો જન્મદિવસ હતો અને પોતે અન્ય બે મિત્રો સાથે મોટર સાયકલ પર સવાર થઈ ટ્રિપલ સવારી ચા પીવા માટે ગયો હતો. જે દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી મિત્રોની મોટર સાયકલ આગળ જતા ટેમ્પો જોડે અથડાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં ચંદ્રકાન્તનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતની ઘટનાામાં અન્ય બે મિત્રોની નાની-મોટી સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડીંડોલી પોલીસે અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરી હતી. જ્યાં પુત્રના અકાળે મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટના અંગે ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.