Gujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.આજે ક્યાં જિલ્લાને મેઘરાજા ઘમરોળશે જાણીએ અપડેટ્સ
Gujarat Rain Forecast:વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
રાજ્યના 10 જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ, ઉત્તર ગુજરાતના બે,તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પાટણના સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગણેશપુર, બીલીયા, ખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.
પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનાવાડા, રૂની,માતારવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદથી રોડ-રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.
રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો હાઉસફુલ થયા.. સૌરાષ્ટ્રના 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ- છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો 207 જળાશયોમાં કુલ 50.76 ટકા જળસંગ્રહ છે.
રાજ્યના 75 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા છે તો 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 10 જળાશયો એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો 59.33 ટકા રાજ્યમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 76.45 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 74.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 69.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 47.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.