અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાના વિમાનમાં પૂર્વ CM વિજય રૂપાણીનો આ ફોટો છે? જાણો સત્ય
લંડન જઈ રહેલી ફ્લાઈટ AI171 ક્રેશ થઈ, રૂપાણી સહિત ૨૪૨ લોકો સવાર હતા; ઘટનાથી રાજ્યભરમાં શોક.

Ahmedabad plane crash Vijay Rupani: ગુજરાતના અમદાવાદમાં આજે બપોરે થયેલી એર ઈન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદથી લંડન જઈ રહેલું ફ્લાઈટ AI171 ક્રેશ થયું, જેમાં ૧૦ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી પણ સવાર હોવાની પુષ્ટિ થઈ છે. દુર્ઘટના પહેલા વિમાનમાં તેમની હાજરી દર્શાવતો એક ફોટો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા ફોટામાં વિજય રૂપાણી વિમાનની અંદર બેઠેલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે તેઓ ખરેખર આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાનમાં ૧૬૯ ભારતીયો સહિત વિવિધ દેશોના નાગરિકો પણ સવાર હતા.
જોકે આ ફોટો જૂનો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદથી જ વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપના નેતાઓ અને કાર્યકરોનો ધસારો જોવા મળી રહ્યો છે. હાલમાં બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ મોટી જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપના નેતાઓ રૂપાણીના નિવાસસ્થાને
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જોકે તેમણે મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. બીજી તરફ, રૂપાણીના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી પડી છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રીની સલામતી માટે મહામૃત્યુંજયના નારા લગાવી રહ્યા છે.
દુર્ઘટનાની વિગતો અને બચાવ કામગીરી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રેશ થયેલ એર ઈન્ડિયાના વિમાનમાં ૨૩૨ મુસાફરો અને ૧૦ ક્રૂ સભ્યો હતા. બોઈંગ વિમાન ટેકઓફ થયા પછી તરત જ નીચે ઉતરતું જોવા મળ્યું હતું અને બપોરે ૨ વાગ્યે એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. અકસ્માત પછી તરત જ, સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે ભયાવહ દ્રશ્ય સર્જી રહ્યા હતા.
ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બચાવ, સ્થળાંતર અને અગ્નિશામક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે, અને તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, જાનહાનિ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ આગ ઓલવવા માટે ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
સરકારી પ્રતિભાવ અને એર ઇન્ડિયાનું નિવેદન
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બંનેને તાત્કાલિક અમદાવાદ જવા અને અકસ્માતથી પ્રભાવિત તમામ લોકોને સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.
એર ઈન્ડિયાએ પણ 'X' (અગાઉ ટ્વિટર) પર સત્તાવાર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર AI171 આજે, ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ ક્રેશ થયું હતું. અમે હાલમાં વિગતો શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારી વેબસાઇટ તેમજ X હેન્ડલ પર વધુ માહિતી શેર કરીશું."





















