Ahmedabad: સાબરમતી નદી બે કાંઠે, ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા પ્રવાહ વધ્યો, વાસાણા બેરેજના 24 દરવાજા ખોલાયા
Ahmedabad Sabarmati River: ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો, જેના કારણે છ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ

Ahmedabad Sabarmati River: ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના કારણે મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, તો વળી ક્યાંક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે ધરોઇ ડેમની જળસપાટી વધી છે, આવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.
ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ સતત ચાલુ રહેવાથી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઇને અમદાવાદ સુધી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો, જેના કારણે 4 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. હાલમાં પણ ડેમના કેચપીટ અને નદીના પટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે, આ ઉપરાંત વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, અને 31 હજાર ક્યૂસેક પાણી વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ધરોઈ ડેમ હાલ 58 ટકા થી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. માહિતી પ્રમાણે, મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે. ખેડા જિલ્લામાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારના પણ એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાં 59 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, ધરોઈ ડેમમાં હાલ 94.20 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.





















