Ambaji Temple: અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યારથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો?
ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે જેને લઈને દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
શક્તિપીઠ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે જેને લઈને દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાદરવી સુદ આઠમ એટલે કે, 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી અંબાજીનો મેળો યોજાશે.આ દરમિયાન અંબાજી મંદિરમાં સવારે 6 વાગ્યે આરતી થશે. બાદમાં સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકાશે. બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યે આરતી કરાશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા રહેશે.
નોંધનીય છે કે તાજેતરમાં અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપો અને સવાલો બાદ મંદિર ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. અંબાજી શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પૂજા થાય છે અને શ્રી યંત્રની પૂજા દરમિયાન પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે એવા શ્રી યંત્રની પૂજા કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજી મંદિરના ગર્ભ ગૃહોમાં વીઆઈપી દર્શનનો વિવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઇ વીઆઈપી દર્શન કરાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારબાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વીઆઈપી દર્શન બંધ કરી દીધા છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આક્ષેપોનું ખંડન કરાયું હતું અને વીઆઈપી દર્શન ન થતા હોવાની વાત કરી હતી શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતા હોવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ વિવાદ વધુ વધતાં અંબાજી મંદિર વહીવટીતંત્રએ મંદિરના ગર્ભગૃહમાં વીઆઇપી દર્શન બંધ કરાવ્યા હતા. હવે અંબાજી મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુ એક સમાન હશે અને લાઈનમાં ઊભા રહીને મા અંબાના દર્શન કરવા પડશે. જોકે આ બાબતે દાંતા રાજવી પરિવાર મહારાજાનું કહેવું છે કે વીઆઇપી દર્શન જો પૈસા લઈને કરાવતા હોય તો એ ખોટું છે. માતાજીનાં દ્વારે આવતો દરેક ભક્ત દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમાં ભેદભાવ ના હોવો જોઈએ.