ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે, આજથી આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકશેઃ અંબાલાલ પટેલની આગાહી
સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Gujarat Rain Forecast: આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. જોકે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજથી 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વના રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
તે જ સમયે, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ચેતવણી જારી કરી છે, જેમાં આગામી 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવાર, 31 જુલાઈ અને મંગળવાર, 1 ઓગસ્ટના રોજ, પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં રાજ્યમાં ચોમાસું 4 ઓગસ્ટ સુધી સક્રિય રહેશે.
સોમવારે (31 જુલાઈ) ઉત્તરાખંડના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન કેન્દ્રે દેહરાદૂન, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, પૌરી, પિથોરાગઢ અને ચંપાવત જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં ભેજવાળા ઉનાળા બાદ આગામી દિવસોમાં લોકોની મુશ્કેલી વધી શકે છે. દેહરાદૂનમાં ભારે વરસાદ બાદ સૂર્ય બહાર આવવાને કારણે તાપમાનમાં વધારો થયો છે.