Gujarat Rain: અંબાલાલ પટેલે કરી નવી આગાહી, કહ્યું- ડીપ ડીપ્રેશનના કારણે 30 દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે
આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.
ગાંધીનગર: આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે
19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે. સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે. સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે.
ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.
આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે સુરત, તાપી, વલસાડ,નવસારી, ડાંગમાં વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આવતી કાલે ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial