સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા OBC અનામત મુદ્દે અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર, જાણો
અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટવાયેલી છે.
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC અનામત લાગુ કરવાની બાબતે કોકડું ગુચવાયું છે. જેના માટે આયોગ રચવામાં આવ્યું છે પરંતુ તેનો રિપોર્ટ હજુ સરકારમાં જમાં ના થતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટવાય તેવી શક્યતાના પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટવાયેલી છે. જે આયોગ બનાવવામાં આવ્યું તેનો રિપોર્ટ હજુ સુધી રજુ થયો નથી. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઘણી બધી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થઈ હોવાના કારણે ત્યાં વહિવટદારો મુકવામાં આવશે. 7 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતમાં વહિવટદારો મુકવા પડે તેવી સ્થિતિ છે. 90 દિવસમા રિપોર્ટ આવશે તેવું કહેવાયું હતું જેને ઘણો સમય થઇ ચુકયો છે.
અમિત ચાવડાએ કહ્યું અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક આયોગનો રિપોર્ટ મેળવે અને જલ્દીથી જલ્દી ચૂંટણીઓ યોજવામાં આવે. 2 જિલ્લા, 17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓમા ચૂંટણીનો સમય થઈ ચૂક્યો છે જ્યાં ચૂંટણી નહિ થાય તો વહિવટદારોને મુકવા પડશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અયોગના રિપોર્ટ પ્રમાણે ઓબીસી અનામત નક્કી કરવામાં આવે.
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી. જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો. કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે.
સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે. 264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.
આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી. જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે.