Amreli News: લાઠી અને બાબરા પંથકમાં ખેડૂતો કેમ થયા ત્રાહિમામ? શું આપી ચીમકી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા, નિલવડા તેમજ હરસુરપુર અને પુજાપાદર સહિતના ગામોમાં વિન્ડ પાવર પ્લાન્ટ કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદે રસ્તાઓ કાઢવામાં આવે છે.
Amreli Farmers news: અમરેલી જિલ્લાના લાઠી અને બાબરા પંથકમાં આડેધડ ઉભા કરવામાં આવતા પવન ચક્કી પ્રોજેક્ટ થી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.. પવનચકકી પ્રોજેક્ટ ના કારણે પડતી મુશ્કેલીઓ અંગે વારંવારની રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહી આવતા આખરે આજે ખેડૂતોએ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોનો અવાજ સરકાર નહી સાંભળે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા, નિલવડા તેમજ હરસુરપુર અને પુજાપાદર સહિતના ગામોમાં વિન્ડ પાવર પ્લાન્ટ કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદે રસ્તાઓ કાઢવામાં આવે છે. ગૌચરની જમીનમાં અને નદીના પટમાં પણ વિજપોલ ઉભા કરી દેવામાં આવે છે જેના કારણે આવતા દિવસોમાં ખેડૂતો માટે ખુબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. પ્રાંત અધિકારીનો મનાઈ હુકમ હોવા છતા કંપની દ્વારા મનાઈ હુકમ ઘોળીને પી ગયા છે તેવા પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. આ મુદ્દે આજે બહોળી સંખ્યામાં પીડિત ખેડૂતો એકઠા થઈ રેલી કાઢી હતી અને ભારે સૂત્રોચ્ચાર સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી, સાથે જ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે આવતા દિવસોમાં ખેડૂતોનો અવાજ સરકાર નહી સાંભળે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
સેંકડો વિંડ પાવર ઉભા થઈ રહ્યા છે
અમરેલી જીલ્લામાં વિંડ પાવર પ્લાન્ટ ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને બાબરા અને લાઠી પંથકમાં સૌથી વધુ વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યરત છે અને સેંકડો વિંડ પાવર ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ પવન ચક્કીના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મહાકાય કંપનીઓ દ્વારા સરકારી નિયમો નેવે મૂકીને કામ કરવામાં આવતા હોવાની સાથે જ ખેડૂતો સાથે કંપનીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. ખોટી પોલીસ ફરીયાદ કરીને ખેડૂતોને દબાવવામાં આવતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર આક્ષેપો અંગે અધિકારીને પૂછવાના પ્રયાસ કરતા કેમેરા સામે કાંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ
Year Ender 2023: ભારતીય ક્રિકેટ ટીમની વર્ષ 2023ની 5 બેસ્ટ મોમેન્ટ્સ