VERAVAL : એસટી સ્ટેશન રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્કૂટર ભડકે બળ્યું
Veraval News : ઈલેક્ટ્રીક સ્કૂટરમાં પહેલા ધુમાડા નીકળ્યા અને ત્યારબાદ સ્કૂટર આગની લપેટમાં સમાઈ ગયું.
Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના વડુંમથક વેરાવળમાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લગાવની ઘટના સામે આવી છે. વેરાવળ શહેરમાં એસટી સ્ટેશન રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્કૂટર ભડકે બળ્યું. રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ઈલેક્ટ્રીક ટુ વ્હીલર નું ચલણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે તેની સલામતીને લઇ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. વેરાવળ એસટી બસ સ્ટેશન રોડ ની સામે ઈલેક્ટ્રીક સ્કૂટરમાં પહેલા ધુમાડા નીકળ્યા અને ત્યારબાદ સ્કૂટર આગની લપેટમાં સમાઈ ગયું.
પાટણમાં પણ સળગ્યું હતું ઇલેક્ટ્રિક સ્કૂટર
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસ પહેલા પાટણ જિલ્લામાંથી પ્યોર ઈવીના સ્કૂટરમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. પાટણની સુવિધાનાથ સોસાયટીમાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના ઘરે ચાર્જ થઈ રહી હતી ત્યારે બની હતી. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયૉ હતો.
જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્યોર એનર્જીના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના હતી, પરંતુ કંપનીએ હજુ સુધી આગના કારણ વિશે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. આ પહેલા હૈદરાબાદમાં પ્યોર ઈવી સ્કૂટરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 80 વર્ષના એક વ્યક્તિનું દાઝી જવાથી મોત થયું હતું.
ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે
ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં છે અને તેના કારણે ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે.
મુંબઈમાં ટાટાની ઇલેક્ટ્રિક કાર Tata Nexon EV માં આગ લાગી હતી. અગાઉ અનેક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી ચૂકી છે અને હવે ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓકિનાવાની ડીલરશિપમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મેંગ્લોરમાં ઓકિનાવાની ડીલરશીપમાં આગ ફાટી નીકળી હતી. તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. અહેવાલો અનુસાર, આ ઘટનામાં કુલ 34 ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઈ ગયા હતા. આગ ભયાનક હતી જેને જોઈને વિસ્તારના લોકો પણ ગભરાઈ ગયા હતા.