રાજ્યમાં ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, કેટલા દિવસ વરસાદની કરાઇ આગાહી?
રાજ્યમાં ઠંડીના વધતાં જોર વચ્ચે ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે
ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીના વધતાં જોર વચ્ચે ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 થી 20 નવેંબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
તો 20 નવેંબરે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ માવઠું થવાની સંભાવના છે. જો કે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે.
અમદાવાદમાં આ સ્થળો પર નોનવેજની લારીઓ ઉભી નહિ રાખી શકાય
ઈંડા અને નોનવેજની લારીઓ અંગે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ પાસે ઈંડા અને નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. ટી પી કમિટીમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલથી અમલ ચાલુ કરશે.
રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે.
બીજી તરફ અમદાવાદના પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જાહેરમાં નોનવેજની લારી ન ઉભી રાખવા દેવામાં ના આવે તેવી વાત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે નોનવેજની લારીઓના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. લારીની આસપાસ સ્વચ્છતાનુ પણ ધ્યાન ન રખાતુ હોવાની કાઉન્સિલરે ફરિયાદ કરી હતી. આ તમામ કારણો સાથે ત્વરિત ધોરણે જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની રજૂઆત કરી હતી.