કમલમ પર બબાલના કેસમાં આપના માત્ર એક નેતા સિવાય તમામના જામીન નામંજૂર, જાણો વિગતો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને ગઈકાલે રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આપના એક નેતા સિવાય તમામ લોકોના જામીન નામંજૂર કર્યા છે. કોર્ટે રજનીકાંત પરમાર નામના આરોપી યુવકને વચગાળાના જમીન આપ્યા છે. રજનીકાંત પરમારને 23 તારીખે કોર્ટમાં 12 વાગ્યે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે. બાકીના આરોપીઓના જામીન કોર્ટે નામંજુર કર્યા.
નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા પછી ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આમ 5 તબક્કામાં 65 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક માત્ર ઇસુદાન ગઢવીને DySPની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા, જ્યારે અન્ય આરોપીઓને પોલીસની મોબાઈલ વાનમાં લાવવામાં આવ્યા હતા. ઇસુદાન, ગોપાલ, પ્રવીણ અને નિખિલ સહિત તમામ 65 આરોપીઓને સામાન્ય આરોપીઓને જેમ જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા અને ઓળખ પરેડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટની રૂમની બહાર પોલીસ બંદોબસ્ત સાથે બેસાડવામાં આવ્યા હતા.
આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પૂછ્યું અને બાદમાં ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો. જેમાં પરીક્ષા હોવાથી 1 આરોપી રજનીકાંત પરમારને 1 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જ્યારે અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. આરોપીઓ રજૂ કર્યા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા.