(Source: ECI/ABP News/ABP Majha)
USમાં ગુજરાતી પોલીસ ઓફિસરની ગોળી મારીને હત્યા, જાણો મૂળ ક્યાંના હતા ને ક્યા કેસમાં આરોપીને પકડવા ગયા હતા ?
38 વર્ષીય પરમહંસ દેસાઈ ડોમેસ્ટિક વાયોલન્સના એક કેસમાં આરોપી 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસનની ધરપકડ કરવા ગયા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની હત્યા કરી દેવાઈ છે. આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું 8 નવેમ્બરે અવસાન થયું હતું. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા.
38 વર્ષીય પરમહંસ દેસાઈ ડોમેસ્ટિક વાયોલન્સના એક કેસમાં આરોપી 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસનની ધરપકડ કરવા ગયા હતા. પોલીસને જોઈમે 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસને પિસ્તોલ કાઢી હતી અને પરમહંસ દેસાઈને ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી છેવટે 8 નવેમ્બરે પરમહંસનું અવસાન થયું હતું.
પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારો આરોપી જોર્ડન જેકસન પણ મોતને ભેટ્યો છે. જેક્સનને પકડવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના માથે 30 હજાર ડૉલરનું ઈનામ પણ જાહેર કરાયું હતું. સ્વેટની ટીમને જેક્સન એપાર્ટમેન્ટમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. પોલીસે આરોપીને પકડવા માટે તેને ઘેરી લીધો હતો. પોલીસથી બચવા જેક્સન પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળી ખાઈને મોતને ભેટ્યો હતો. પોલીસે આરોપીને છુપાવવામાં મદદ કરનાર બે લોકોની ધરપકડ કરી છે.
પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે. 5 ઓક્ટોબર 1983ના રોજ દક્ષિણ ગુજરાતના બિલીમોરામાં જન્મેલા પરમહંસ દેસાઈ હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતા.
પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.