SURVEY: બનાસકાંઠામાં બિપરજૉયના નુકસાનીનો સર્વે પૂર્ણ, કેટલા ગામોને થઇ અસર ને કયા પાકોને થયુ વધુ નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં બિપરજૉય વાવાઝોડાને લઇને કરવામાં આવેલા નુકસાનીનો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે
SURVEY: ગયા મહિને ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ અનેક સ્થળોએ કેર વર્તાવ્યો હતો, જોકે બિપરજૉય વિવાઝોડા બાદ આવેલા ભયંકર વરસાદે અનેક સ્થળોને તારાજી સર્જી હતી, આમાં સૌથી વધુ નુકસાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયુ હતુ. હવે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બિપરજૉય વાવાઝોડાને લઇને કરવામાં આવેલા નુકસાનીનો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. વાવાઝોડા બાદ 961 ગામમાં પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે અને 36 ગામમાં બાગાયતી પાકોને નુકસાન થયુ છે. બાગાયત પાક લેતા 36 ગામના 114 ખેડૂતોને 20.95 લાખની સહાય ચૂકવાશે. ખેતી પાક લેતા જિલ્લાના 19,957 ખેડૂતોને પણ 20.23 કરોડની સહાય ચૂકવવાપાત્ર છે. 16 જૂનથી 25 જૂન સુધી વરસાદ અને પૂરની સ્થિતિના પગલે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત
બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની જાહેરાત કરી હતી. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે. વાવાઝોડા બાદ જિલ્લા કલેકટરો દ્વારા નુકશાની અને રાહત અંગે કામગીરી કરવામાં આવી રહી છે. કેસ ડોલ્સ પાત્ર લોકોને ચુકવણી શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. પંચાયત વિભાગના ઇજનેરોને કચ્છ સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ ટીમો નુકશાનીનો સર્વે કરશે. વાવાઝોડાને કારણે 3,700 કિલોમીટર રોડને નુકશાન થયું છે. જ્યારે 34 લોકોને વાવાઝોડામાં ઇજા પહોંચી છે. 19,500 વીજપોલ ધરાશાયી થયા છે તેમાંથી 1,500 જેટલા પોલને ફરી ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 92 પશુઓ પણ મોતને ભેટ્યા છે.
Join Our Official Telegram Channel: