ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
Amreli: અમરેલી ભાજપના નેતા ડોકટર ભરત કાનાબારે ભ્રષ્ટાચારને આતંકવાદ કરતા વધુ દેશ માટે ખતરો ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો છે.

Amreli: અમરેલી ભાજપના નેતા ડોકટર ભરત કાનાબારે ભ્રષ્ટાચારને આતંકવાદ કરતા વધુ દેશ માટે ખતરો ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો છે. તમને જણાવી દઈએ કે,ડોકટર ભરત કાનાબાર અવારનવાર ભ્રષ્ટાચાર અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા રહે છે.

તેમણે લખ્યું કે, આઝાદીના આઠમા દાયકામાં ભ્રષ્ટાચાર, આતંકવાદ કરતા પણ દેશ સામેનો મોટો ખતરો છે. મુઠ્ઠીભર હાડકાનો દેહ, 56”ની નહિ માત્ર 28”ની છાતી સાથે એક “ડોસાએ” ( ) પરદેશથી આવેલા બ્રિટીશરો સામે નિર્ભયતાપૂર્વક લડત કરી અને દેશને મહામૂલી આઝાદી મળી.
આજે તો આપણા મતોથી ચૂંટાયેલી સરકારો છે. આપણા પરસેવાના પૈસાથી ભરાતા ટેક્સમાંથી જેમના તગડા પગારો ચૂકવાય છે તે અધિકારીઓ તંત્રમાં છે ત્યારે કોની શરમ અને કોનો ડર રાખવાનો ?
ચોરે બેઠા બેઠા કે પાનના ગલ્લે કટકી કરનારાઓનો હિસાબ ગણતા રહેવાને બદલે તેમની સામે હિમ્મતથી અવાજ ઉઠાવવો પડશે. ધ્વજવંદન પછી “ભારત માતા કી જય” મોટા અવાજે બોલવાની સાથે સાથે જ્યાં પણ ગેરરીતિઓ ચાલતી હોય તેની સામેનો અવાજ પણ મોટો કરવો પડશે.
દીકરા, રાણા પ્રતાપ કે શિવાજી મહારાજ જેવા થવા જોઈએ -પણ આપણે ત્યાં નહિ પણ પાડોશીને ત્યાં” એવી પલાયનવાદી માનસિકતાથી દેશ ના બચે. ભ્રષ્ટાચારના ભોરિંગને કારણે બેહાલ અને કંગાળ બની ગયેલ અનેક આફ્રિકન રાષ્ટ્રોના ઉદાહરણો આપણી સામે છે.
ભ્રષ્ટાચાર સામેના આ જંગમાં કોઈની શરમ રાખવી પાલવે તેમ નથી, આપણો ઓળખીતો કે આપણો સંબંધી કે આપણા પક્ષનો - ભ્રષ્ટ રીતરસમોથી પ્રજાનું શોષણ કરતા તમામ “કૌરવો” છે. જરુર છે આપણી જાતને પૂછવાની કે પાંડવો બનીને આપણી લડવાની તૈયારી છે ખરી ?
આમ ડોકટર ભરત કાનાબારે સોશિયલ મીડિયાના માધ્યનથી પોતાની વ્યથા ઠાલવી છે. જેના પર લોકો દ્વારા વિવિધ પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. આ પોસ્ટમાં તેમણે પીએમ મોદી,પીએમઓ,બીજેપી નેતા રત્નાકરજી અને સીએમ ભુપેન્દ્ર પટેલને ટેગ કર્યા છે.
થોડા દિવસ પહેલા તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ ટીપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, ટ્રમ્પના નિવેદનો અને નિર્ણયો તર્કથી પર, સમજની બહાર અને ક્યારેક તો પાગલપણાની હદ સુધી પહોંચેલા લાગે છે. વિશ્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશના લોકો આવો મનસ્વી નેતા કેવી રીતે ચૂંટે છે તે સમજવું મુશ્કેલ છે. ટ્રમ્પની પસંદગી લોકશાહી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ હોવા અંગે પણ ગંભીર સવાલો અને શંકા ઉભી કરે છે. નિવૃત થયેલ રાષ્ટ્રપતિ બાઈડન ઉંમરને કારણે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમથી ગ્રસ્ત હતા પણ ટ્રમ્પ તો ગંભીર સાયકોલોજીકલ બીમારીના શિકાર હોય તેવું દેખાય રહ્યું છે !!





















