શિક્ષણનું વેપારીકરણ? ભાજપ સરકારે 5 વર્ષમાં 5000 સરકારી શાળાઓ તાળાં માર્યા: ઈસુદાન ગઢવીનો ધડાકો
કેજરીવાલના ટ્વીટથી ખળભળાટ: ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0%, ઈસુદાનના આકરા પ્રહાર

BJP closed schools claim: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની 157 શાળાઓના ધોરણ 10ના પરિણામો 0 ટકા આવ્યા હોવાનું ટ્વીટ રીટ્વીટ કર્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપનું ગુજરાત મોડેલ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0 ટકા આવ્યું છે. આના પર પ્રતિક્રિયા આપતા ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલજીનું ટ્વીટ બે વર્ષ જૂનું છે. પરંતુ ઈસુદાને સવાલ ઉઠાવ્યો કે બે વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, સરકાર તો તમારી જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આનાથી બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે.
ઈસુદાન ગઢવીએ ગુજરાતની જનતા અને બાળકો માટે અવાજ ઉઠાવવા બદલ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે 5 હજાર સરકારી શાળાઓ બંધ કરી દીધી છે. તેમનો આરોપ છે કે ખાનગી શાળાઓ ખોલવા માટે સરકારી શાળાઓને જાણી જોઈને બંધ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા દેવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમનો પોતાનો ધંધો (ખાનગી શાળાઓ) ચાલે છે. ઈસુદાન ગઢવીના આ નિવેદનોથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ચર્ચા અને વિવાદોનો દોર શરૂ થયો છે.
કોંગ્રેસ પ્રમુખના શિક્ષણને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ અંગે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન સત્ય અને વાસ્તવિક છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા હતી, પરંતુ ભાજપ સરકારના શાસનમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. જેના કારણે આજે વાલીઓને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સરકારી શાળાઓ અને શિક્ષકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે, જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ પ્રમુખે કચ્છ, ભાલ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે આજે પણ અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે.





















