(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં દુષ્કાળના ભણકારા, 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ
બે તાલુકામાં તો બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાત જ્યાં વાગી રહ્યા છે દુષ્કાળના ભણકારા. જો એક સપ્તાહમાં વરસાદ ન વરસ્યો તો ગુજરાતમાં સત્તાવાર દુષ્કાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. અત્યાર સુધીની સ્થિતિની વાત કરવામાં આવે તો 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો છે માત્ર 41.71 ટકા જ વરસાદ.
બે તાલુકામાં તો બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. તો 20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. દુષ્કાળના ડાકલા વચ્ચે પાક વીમાના વિકલ્પમાં રહેલી CM કિસાન સહાયની હવે પરીક્ષા થશે. નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગષ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તો આ સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવા કહેવાયું છે.
31 ઓગષ્ટને હવે માંડ એક સપ્તાહનો સમય બાકી છે. દુષ્કાળના ડાકલા વચ્ચે આ તરફ મંગળવારના અનેક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારોએ સિંચાઈનું પાણી નથી મળી રહ્યાની ફરિયાદો કરી છે. કેટલાકે તો સીધા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રૂબરૂ મળીને પણ રજૂઆત કરી છે.
વેધર વોચ ગ્રુપની બેઠક
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં રાહત કમિશનરશ્રીએ કહ્યું કે રાજયમાં અત્યાર સુધી 41.71 ટકા વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કૃષિ વિભાગના અધિકારીએ માહિતી આપી કે ચાલુ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે. તો સરદાર સરોવર જળાશયમાં હાલ કુલ સંગ્રહ શકિતના ૪૫.૬૬ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ..તો રાજયના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૫૦.૬૮ ટકા પાણીનો જથ્થો છે.
હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય છે. તો એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૬-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.