નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો, ચાર મહિલા ઝડપાઈ
ખેડાના નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરી છે.
નડિયાદ: ખેડાના નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરી છે. આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી તેને મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક સ્થાયિ થયેલી માયા દાબલા પરપ્રાંતિય ગરીબ ગર્ભવતી મહિલાને નડીયાદ લાવી ડિલીવરી કરાવે છે.
ગુજરાત જ નહિ, પરંતુ રાજ્યની બહાર પણ આ પાપલીલાના તાર જોડાયેલા છે. ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચ આપતા. તેના નવજાત માસુમને જ ખરીદી લેતા હતા. મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે જે આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહિ, પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
આ સાથે બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી પણ SOGને મળી હતી. પોલીસે ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાઓનો સંપર્ક કર્યો હતો અને બાળક ખરીદવાની તૈયારી બતાવતા આરોપી મહિલાઓએ બાળકનો ભાવ 6 લાખ રૂપિયા કહ્યો હતો. ત્યારબાદ પોલીસે રંગે હાથે કોડન કરી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી હતી. બાળકના બદલામાં 6 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આ બાદ પોલીસની ટીમે ચારેબાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. બાળકની માતાની પૂછપરછ કરતા તેણે નાણાની જરૂર હોવાથી દોઢ લાખમાં બાળકનો સોદો કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે તેવી પોલીસને આશંકા છે.
પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોના નામ ખૂલે એમ છે.