મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરાયું હતું.

ગાંધીનગર: રાજ્યના નાગરિકો માટેની આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનીટરીંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.
આરોગ્ય મંત્રીએ ટી.બી.ના દર્દીઓ સાથે ઓડિયો-વીડિયોના માધ્યમથી વાતચીત કરી તેમને મળતી આરોગ્ય સેવા-સુવિધઓના લાભ વિશે વિગતે માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
— CMO Gujarat (@CMOGuj) July 1, 2025
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકો માટેની… pic.twitter.com/GCMc27wigw
આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી સેવાઓને સંકલિત રીતે એક જ સ્થળેથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા તથા જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આમ, ગુજરાતમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના હેતુસર બનાવવામાં આવેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્ર રાજ્યના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:-
• અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ કોન્ફરન્સ રૂમ, 12 ટર્મિનલ્સ સાથેની વ્યવસ્થા
• વિડિયો કોન્ફરન્સ માટેનો મિટિંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ
• એક સાથે કુલ 100 જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા જુદી-જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન અને માર્ગદર્શનની માટેની અદ્યતન કોલ સેંટરની વ્યવસ્થા
• વિશિષ્ટ સીએડી (CAD) કોલ સેન્ટર એપ્લિકેશન થકી વ્યવસ્થિત કોલ રેકોર્ડિંગ અને પુરાવા, તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ માટે સુરક્ષિત રીતે માહિતીનું સંચાલન અને સંગ્રહ કરવા માટે EMRI GHS દ્વારા ડિઝાઇન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે
• રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે સમયાંતરે ટુ વે કમ્યૂનિકેશન વિડીયો કોન્ફરન્સિગ અને સંવાદની વ્યવસ્થા
• આરોગ્ય વિભાગના અમલીકૃત મહત્ત્વના કાર્યક્રમોના ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડ-બેક માટેની વ્યવસ્થા
• આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના સંપૂર્ણ માળખાના અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ ક્લિક ટુ કૉલની વ્યવસ્થા
• જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિકારીઓનું અદ્યતન માહિતીથી સશક્તિકરણ
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતેથી આવરી લેવાયેલ મહત્વની આરોગ્ય સેવાઓ:-
• માતા આરોગ્ય:- સિકલ સેલ એનિમિયા ધરાવતી સગર્ભા બહેનો, હૃદય, કિડની, 42 કિ.ગ્રાથી ઓછું વજન, ઓછું હિમોગ્લોબિન ઘરાવતી સગર્ભાઓની સંભાળ અને અન્ય મહત્વના માપદંડો
• બાળ આરોગ્ય:- બાળ આરોગ્યને લગતા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરાશે
• ટી.બી.:- સારવાર લઈ રહેલ હાઇ રિસ્ક ટીબીના દર્દીઓ, 15 દિવસની સારવાર દરમ્યાન ટીબીની દવાઓની આડઅસરો આવી હોય તેવા દર્દીઓ, 2 મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક અને આડઅસર આવેલ દર્દીઓ), 4 મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક દર્દીઓ), 6 મહિનાની ટીબીની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (તમામ હાઇરિસ્ક દર્દીઓ), ટીબીની સારવાર પૂર્ણ કરી 3 મહિના બાદ દર્દીઓનાં લક્ષણોની તપાસ (તમામ હાઇરિસ્ક દર્દીઓ – પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલો-અપ)
• રસીકરણ:- બાળકો અને માતાઓને આપવામાં આવતા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનું પણ મૂલ્યાંકન કરાશે.
• PMJAY-મા યોજના:-
PMJAY-મા કાર્ડ અંતર્ગત સારવાર લઈ રહેલા દર્દીઓનો અભિપ્રાય (Feedback) તેમજ આ યોજના માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબરની સેવાઓ થકી મૂલ્યાંકન સિકલસેલ એનિમિયાના દર્દીઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર તીવ્ર કુપોષણ SAM (Severe Acute Malnutrition) ધરાવતાં બાળકો તેમજ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત MPHWને પૂછવાના થતા પ્રશ્નો સંદર્ભેની કામગીરી કરવામાં આવશે.
• 104 હેલ્થ હેલ્પલાઇન (નોન ઈમરજન્સી સેવા):- રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી યોજનાકીય માહિતી, કોઈ પણ રોગ માટેની સલાહ અને સૂચન, તાવ તથા સંલગ્ન બીમારીઓની જાણકારી, આરોગ્ય સેવાઓ અંગેની ફરિયાદ તથા વ્યવસ્થાપનની પણ કામગીરી કરવામાં આવે છે.
• હેલ્થ એડવાઈઝ:- કાઉન્સેલિંગ, ટેલિમેડિકલ એડવાઈઝ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનાં આયુષ સૂચનો, ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન, મેડિસીન,લેબ ટેસ્ટ, ઈ-પ્રિસ્ક્રીપ્શન ફેસિલિટી એસએમએસ થકી મોકલવી.
આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના સેક્રેટરી વિક્રાંત પાંડે, અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશનર રતનકંવરબા ગઢવી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.





















