સીએમ ભુપેન્દ્ર પટેલે નવસારીના ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો, જાણો આ યોજના વિશે
આ પ્રોજેક્ટમાં કાવેરી નદી પર દરવાજાવાળુ વિયર સ્ટ્રકચર તેમજ નદીના બંને કાઠાનું પૂરથી સરંક્ષણ માટે પાળા અને દીવાલનું ઈ.પી.સી. ધોરણે બાંધકામ કરાશે.
Navsari : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા નગર પાસેથી કાવેરી નદી પસાર થાય છે. બિલીમોરા અને તેની આજુબાજુના ગામોથી દરિયાનું અંતર આશરે 13 થી 15 કિ.મી. જેટલું છે. આ વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડતો હોવાથી કાવેરી, અંબિકા નદીઓમાં દર ચોમાસે બે થી ત્રણ મોટા પૂર આવે છે. આમ છતાં, દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર-કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ ગયા છે, આ પાણીને ઘરવપરાશ, સિંચાઈ કે અન્ય વપરાશમાં લઈ શકાતું નથી. આમ બિલીમોરા અને આસપાસના અંદાજે 10 ગામોમાં પીવાના મીઠા પાણી તેમજ ખેતી કે અન્ય ઘરગથ્થુ ઉપયોગ માટે મીઠા પાણીની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે.
વાઘરેચ ગામે કાવેરી નદી અંબિકા નદીને મળે છે તે પહેલા અને કાવેરી નદી પરના વાઘરેચ ગામ બિલીમોરા વલસાડ કોસ્ટલ હાઈવેની હેઠવાસમાં વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરાયું છે. આ કામના ટેન્ડરની અંદાજીત કિંમત 250 કરોડની છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટમાં કાવેરી નદી પર દરવાજાવાળુ વિયર સ્ટ્રકચર તેમજ નદીના બંને કાઠાનું પૂરથી સરંક્ષણ માટે પાળા અને દીવાલનું ઈ.પી.સી. ધોરણે બાંધકામ કરાશે.
ગણદેવી ખાતે ₹ 250 કરોડના ખર્ચે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર'યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રોજેક્ટ થવાથી સાડા 3000 એકર જમીનને સિંચાઇનો લાભ થશે.કાવેરી નદીમાં 13 કિમી અને ખરેરા નદીમાં 5 કીમી લંબાઇમાં મીઠા પાણીનો સંગ્રહ થશે.(૧/૨) pic.twitter.com/P5UnGlkjnX
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 15, 2022
મહત્વાકાંક્ષી વાઘરેચ ટાઈડલ યોજનાની વિગતો
આ યોજનામાં કાવેરી નદી પર 500 મીટર લંબાઈમાં પાઈલ ફાઉન્ડેશન સાથે વિયર બાંધવામાં આવશે. નદીકિનારાના બિલીમોરા અને આજુબાજુના ગામોને પુરથી સુરક્ષિત રાખવા માટે 8381 મીટર લંબાઈમાં હયાત પાળાનું મજબુતીકરણ, નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવામાં આવશે. ચોમાસાના પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સી.ડી.વર્કસ અને સિંચાઈ વ્યવસ્થા માટે એચ.આર બાંધવામાં આવશે.
વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટથી થશે માતબર લાભો
વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત નવસારી-ગણદેવી તાલુકાના વાઘરેચ, ગોયંદી-ભાઠલા, દેસરા, આંતલીયા, વંકાલ, ઘેકટી, ઉંડાચના લુહારફળીયા અને વાણીયા ફળીયા, ખાપરવાડા, વાસણ વગેરે ગામોને પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ થશે, ઉપરાંત જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે.