૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ મહોત્સવ’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે
મહોત્સવમાં "વાદ્યમ્-નાદસ્ય યાત્રા" શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જે સંગીત, આધ્યાત્મિકતા અને કલાત્મક અભિવ્યક્તિના સંબંધને ઉજાગર કરશે.

Somnath Mahotsav 2025: મહાશિવરાત્રિના પાવન અવસર પર સોમનાથ યાત્રાધામ ખાતે કલા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાશે. તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સોમનાથ મંદિરના પ્રાંગણમાં ‘સોમનાથ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના પદ્મ, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત કલાકારો કલા દ્વારા આરાધના કરશે.
રાજ્યના પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ કલાકે થશે. મહોત્સવ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા ભજન, રાસ ડાયરા અને વિવિધ અલૌકિક કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સોમનાથ મહાદેવ માત્ર જ્યોતિર્લિંગ જ નથી, પરંતુ શૈવ આગમની પરંપરાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અહીં સંગીત અને નૃત્ય માત્ર કલા સ્વરૂપો નથી, પરંતુ તે પૂજાનું પવિત્ર માધ્યમ છે, જે દિવ્ય અને નશ્વર વચ્ચે સેતુ સમાન છે. શૈવ ધર્મમાં શિવને નટરાજ તરીકે પૂજવામાં આવે છે, જેમના તાંડવ નૃત્યથી બ્રહ્માંડ લયબદ્ધ થાય છે. તેમના ડમરુમાંથી જ સંગીતના સૂર જન્મે છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આધાર છે. સોમનાથ જ્યોતિર્લિંગ શિવ ભક્તિની સાથે નાટ્ય અને ગાનનું પણ કેન્દ્ર રહ્યું છે.
મહોત્સવમાં "વાદ્યમ્-નાદસ્ય યાત્રા" શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જે સંગીત, આધ્યાત્મિકતા અને કલાત્મક અભિવ્યક્તિના સંબંધને ઉજાગર કરશે. પ્રદર્શનમાં સંગીત વાદ્યોનો વિકાસ, દિવ્ય કથાઓ સાથે તેમનું જોડાણ અને શિલ્પકળામાં તેમની રજૂઆત દર્શાવવામાં આવશે.
સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ - કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર આવેલું છે અને આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે અહીં વિશેષ ‘સંગમ આરતી’ યોજાશે, જેમાં ૧૦૮ દિવડા પ્રગટાવીને ભક્તિમય માહોલ ઊભો કરાશે. આ ઉપરાંત, સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ "સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા" વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર વિદ્વાનો દ્વારા ચર્ચા થશે.
મહાશિવરાત્રીના પાવન દિવસે, તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૮.૦૦ કલાકે મારુતિ બીચ ખાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિ-દિવસીય મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.૨૪ ફેબ્રુઆરીએ ડૉ. સોનલમાન સિંહ દ્વારા "નાટ્યકથા", સૂર્ય ગાયત્રી દ્વારા શિવ ભજન, રામા વૈદ્યનાથન દ્વારા "નિમગ્ન" અને પંડિત શિવમણિ અને પંડિત રોણુ મજુમદારની જુગલબંદી મુખ્ય આકર્ષણ રહેશે. તા.૨૫ ફેબ્રુઆરીએ રામ ચંદ્ર પુલેવાઝ દ્વારા શેડો પપેટ્રી, સુધા રઘુરામનનું વોકલ મ્યુઝિક, કુમુદિની લાખિયા અને કાદમ્બ દ્વારા નૃત્ય અને અતુલ પુરોહિતના ભજનનો કાર્યક્રમ યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે બરોડા કેરળ સમાજ દ્વારા સિંગરી મેલમ, નીલેશ પરમાર દ્વારા ગુજરાતના લોકનૃત્ય, યોગેશ ગઢવીનો ડાયરો, રાજ વારિયર અને ટીમની પ્રસ્તુતિ, મૈસૂર મંજુનાથનું વાયોલિન એન્સેમ્બલ, સ્પર્શ સ્ટુડિયો દ્વારા ૮ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાં શિવ મહિમા, પંડિત વિશ્વમોહન ભટ્ટના "ડેઝર્ટ સ્લાઇડ્સ", પંડિત શશાંક સુબ્રમણિયમનું વાંસળી વાદન અને પંડિત બિક્રમ ઘોષના ભક્તિ સંગીત જેવા કાર્યક્રમો યોજાશે.
રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ કલા અને ભક્તિના અનોખા મહોત્સવમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવ કાર્યક્રમની રૂપરેખા:
પ્રથમ દિવસ: ૨૪/૦૨/૨૦૨૫
સવારે ૧૦:૦૦ કલાકે: સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં "સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા" પર સેમિનાર
સાંજે ૭:૩૦ કલાકે: મુખ્ય મંચ પર ઉદ્ઘાટન સમારોહ
રાત્રે ૮:૦૦ કલાકે: ડૉ. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટ્યકથા હર હર મહાદેવ’
રાત્રે ૯:૦૦ કલાકે: કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન
રાત્રે ૧૦:૦૦ કલાકે: વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’
રાત્રે ૧૧:૦૦ કલાકે: ડ્રમ્સ શિવમણિ અને પંડિત રોનુ મઝુમદાર (પદ્મ)ની જુગલબંધી
દ્વિતીય દિવસ: ૨૫/૦૨/૨૦૨૫
સવારે ૧૦:૦૦ કલાકે: સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં "સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા" પર સેમિનાર
સાંજે ૭:૦૦ કલાકે: રામચંદ્ર પુલાવર (પદ્મ) દ્વારા શેડો પપેટ્રી શો
રાત્રે ૮:૦૦ કલાકે: વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીત
રાત્રે ૯:૦૦ કલાકે: કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
રાત્રે ૧૦:૦૦ કલાકે: અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન
તૃતીય દિવસ: ૨૬/૦૨/૨૦૨૫ (મહાશિવરાત્રી)
રાત્રે ૮:૦૦ કલાકે: બરોડા કેરલા સમાજમ દ્વારા સિંગરી મેલમ અને નીલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનૃત્ય
રાત્રે ૯:૦૦ કલાકે: યોગેશ ગઢવી દ્વારા ડાયરો
રાત્રે ૧૦:૦૦ કલાકે: મતી રાજ વૉરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્તુતિ
રાત્રે ૧૧:૦૦ કલાકે: મૈસુર મંજુનાથ દ્વારા વાયોલિન પ્રસ્તુતિ
રાત્રે ૧૨:૦૦ કલાકે: સ્પર્શ સ્ટુડિયો ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા ૮ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાં શિવ મહિમા
રાત્રે ૧:૦૦ કલાકે: પંડિત વિશ્વમોહન ભટ્ટ અને પંડિત સલિલ ભટ્ટ દ્વારા ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’
સવારે ૨:૦૦ કલાકે: પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
સવારે ૩:૦૦ કલાકે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ “રિધમસ્કેપ”
વિશેષ આયોજનો:
મહોત્સવ સ્થળ પર વાદ્યો - ધ્વનિની સફર થીમ આધારિત ત્રિ-દિવસીય પ્રદર્શન
દરરોજ સાંજે ત્રિવેણી ઘાટ પર ૧૦૮ દીવાઓ સાથે સંગમ આરતી
મહાશિવરાત્રીના દિવસે સવારે ૯:૦૦ કલાકે મંદિર પરિસરમાં પાલખી યાત્રા
તા. ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ કલાકે મારૂતિ બીચ પર પાર્થિવેશ્વર મહાપૂજન
આ પણ વાંચો....
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
