Gujarat Cold: ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે, જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.
ગાંધીનગર: રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ રહે છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. પરંતુ વરસાદની કોઇ સંભાવના નથી.
આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી
હવામાનના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી. વળી, લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહિ મળે. જો કે, ત્રણ દિવસ પછી તાપમાન નીચુ જશે. રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ હાલમાં ઘટ્યુ છે. મોટાભાગના શહેરોમાં 3થી 4 ડિગ્રી જેટલો પારો વધી ગયો છે. નલિયા 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે 22.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.