પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીના ઘરે સ્પાય કેમેરો લગાવી....
યુવતીનો આરોપ છે કે અશોક જૈને રાજુ ભટ્ટના ગેસ્ટ હાઉસ પર બોલાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું.
પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ અને તેના મિત્ર સામે નોંધાઈ છે યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. દિલ્લીની યુવતી વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરે છે. યુવતીએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં રાજુ ભટ્ટ અને તેના મિત્ર અશોક જૈન વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
યુવતીનો આરોપ છે કે અશોક જૈને રાજુ ભટ્ટના ગેસ્ટ હાઉસ પર બોલાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રાજુ ભટ્ટે પણ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. યુવતીના ઘરે સ્પાય કેમેરા લગાવી દુષ્કર્મના ન્યૂડ ફોટો વાયરલ કર્યાનો આરોપ છે. આરોપી અશોક જૈન જાણીતા વકીલ છે.
કચ્છના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ કૌભાંડમાં પર્દાફાશ
મુંદ્રાના અદાણી બંદરેથી DRIની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ટેલ્કમ પાઉડરના જથ્થા સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનારા વિજયવાડાની કંપનીના સંચાલક દંપતિની ચેન્નઈથી DRIએ ધરપકડ ધરપકડ કરી લીધી છે. વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીના સંચાલક મચ્છવારમ સુધાકર અને તેમના પત્ની ગોવિંદારાજુ દુર્ગાપૂર્ણ વૈશાલીને DRIએ ભુજ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાંડની માગણી કરી હતી. ભુજ કોર્ટે આરોપી દંપતિના 10 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.
DRIએ ઝડપી પાડેલો હેરોઈન ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. જેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા છે. મુંદ્રાથી હેરોઈન ક્યાં લઈ જવાનું હતું, કોણે મંગાવ્યું હતું, નાણાંકીય મદદ કોણે કરી હતી તે સહિતના મુદ્દે મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્લી અને ચેન્નઈ સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
મુંદ્રાના અદાણી પોર્ટ ઉપર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ સ્ટોન ટેલ્કમ પાઉડરના કન્ટેનર આવ્યાં હતાં તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની માહિતી મળતા એક સપ્તાહથી અગાઉ ડીઆરઆઈ, ગાંધીધામની ટીમે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી 1999.579 કિલોગ્રામ અને બીજા કન્ટેનરમાંથી 988.64 કિલોમીગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
મુંદ્રા પોર્ટ ઉપર આયાત કરાયેલા કન્ટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10000 કરોડ જેટલી થવા જાય છે. અફઘાનિસ્તાનથી પ્યોર હેરોઈનનો જથ્થો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદ્રા પોર્ટ ઉપર આવેલા ઈન્ટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા કન્ટેનરમાં મોકલાયું હતું.
ડીઆરઆઈના સ્પેશ્યિલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, ચેન્નઈની પેઢીએ અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવ્યુ હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. ત્યારે માહિતીના આધારે મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. હજુ પણ DRIની તપાસ ચાલુ છે.