(Source: ECI/ABP News/ABP Majha)
Congress: ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ભંગાણના એંધાણ, 35 વર્ષથી કોગ્રેસમાં જોડાયેલા આ નેતા જોડાઇ શકે છે ભાજપમાં, જાણો કોણે પાડ્યો ખેલ?
ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે.
પાલનપુરઃ ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. મળતી જાણકારી અનુસાર, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.
2022ની ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર પર સૌથી મોટો ખુલાસો, કૉંગ્રેસના નેતાઓએ કેટલી બેઠકો પર ટિકિટો વેચી હોવાનો રિપોર્ટમાં પર્દાફાશ
ગાંધીનગરઃ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈ abp અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો થયો હતો. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. એટલું જ નહીં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈકમાન્ડને ઓવરટેક કરી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે હારના કારણો જાણવા ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કોંગ્રેસ માટે આઘાતજનક છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હાર એ માત્ર હાર નથી પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો પૈકીના 35 ઉમેદવારો ગુજરાતના નેતાઓએ બદલ્યા હતા અને આ 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો ઉલ્લેખ પણ કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ સોંપેલા રિપોર્ટમાં છે. આ ઉપરાંત રિપોર્ટની અંદર અનેક ચોકાવનારી બાબતોનો ઉલ્લેખ છે