ચીખલી પોલીસ સ્ટેશનમાં 2 આદિવાસી યુવાનોના મોત કેસમાં 4 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધાયો
પરિજનોની રજૂઆત બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે પીઆઈ, પીએસઆઈ, હેડ કૉન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવા આદેશ કર્યો છે.
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં 2 આદિવાસી યુવાનોના મોતના કેસમાં ચાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પરિજનોની રજૂઆત બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે પીઆઈ, પીએસઆઈ, હેડ કૉન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવા આદેશ કર્યો છે.
મૃતક પરિજનોની લેખિત ફરિયાદને જ એફઆઈઆરમાં બદલવામાં આવશે. પરિજનોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મામલે વઘઇ પોલીસ સ્ટેશનમાં મૃતક યુવાનોનાં પરિવારજનોએ ચીખલી પોલીસનાં જવાનો વિરુદ્ધ અરજી આપી હતી. ચીખલી પોલીસ મથકનાં પીઆઈ, હેડ કોન્સ્ટેબલ, ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મળી પાંચ પોલીસકર્મી સામે માનવવધનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત થતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો પરિવારજનોની વ્હારે આવ્યા હતા અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માગ કરી જવાબદારો સાેમ કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે ડાંગ બંધનું એલાન પણ આપવામા આવ્યું હતું. આજે પણ ડાંગ ભાજપના ધારાસભ્ય અને અન્ય રાજકીય આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાથે રાખી પોલીસ સાથે બેઠક યોજી હતી. જેમાં પરિવાર દ્વારા તેઓ તરફથી આપવામા આવેલી અરજીને જ ફરિયાદ ગણી કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. પોલીસે પણ કાર્યવાહીની ખાતરી આપી હતી. બાદમાં હાલ પોલીસ ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
ચીખલી પોલીસ સ્ટેશનના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે પીઆઈ એ આર વાળા, પીએસઆઈ એમ.બી. કોકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપીના નામ
૧) એ આર વાળા ( પી આઈ )
૨) એમ બી કોકણી ( પી એસ આઈ )
૩) શક્તિસિંહ ઝાલા ( હેડકોન્સ્ટેબલ )
૪) રામજી યાદવ ( કોન્સ્ટેબલ )