Amreli: જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, પવન સાથે વરસાદનું આગમન
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.
Amreli Rain: વાવાઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.
જામનગર જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે. IMDએ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જામનગર જિલ્લામાં સવારે 6 થી બપોરે 2 સુધીમાં કાલાવડમાં 14 મીમી, જામનગરમાં 5 મીમી, જોડિયા ૩ મીમી તથા ધ્રોલ 9 મીમી વરસાદ નોંધાયો છે. મોરબીમાં પણ વરસાદ શરૂ થયો છે. રવાપર રોડ, જુના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ છે. બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે.
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પહેલા મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સ્વરૂપ જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે. સુત્રાપાડામાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગની આગાહી
બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ઘણી જગ્યાએ ધૂળીયું વાતાવરણ સર્જાયું છે. આજે સવારથી શહેરમાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સાંજે અમદાવાદમાં પવન અને રાતે વરસાદ થવાની શકયતા છે. 16 અને 17 જુનના રોજ ભારે પવન અને વરસાદ થવાની અમદાવાદમાં શક્યતા છે. અમદાવાદમાં 13-14 જૂનના વરસાદની સંભાવના 40 થી 50 ટકા વચ્ચે રહેશે. ગુરુવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બુધવારથી શુક્રવાર અમદાવાદમાં તોફાની પવન ફૂંકાશે.
- 14 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ.
- 15 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ.
- 16 જૂન: જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ.
- 17 જૂન: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિભારે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં ભારે વરસાદ.
ગઇકાલે રાતે વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ છે. વાવાઝોડાની ગતિ દક્ષિણ બાજુ જતી જોવા મળી રહી છે. 15 જુનના રોજ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થનાર છે. માંડવીથી કરાંચી સુધી 15 જુનના રોજ વાવાઝોડું પસાર થશેય 13 જૂન મધરાતથી વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વની થશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌથી 320 કિલોમીટર દૂર છે. વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.