Cyclone Biparjoy : પોરબંદરના દરિયાકાંઠે ફૂંકાઇ રહ્યો છે ભારે પવન, વાવાઝોડાને પગલે પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ
વાવાઝોડું હાલ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 290 કિલોમીટર દૂર છે
બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને લઈને પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ કરાયા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વિભાગીય કચેરી જૂનાગઢની સૂચના બાદ હાલમાં હાલ અચોક્કસ મુદ્દત સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ રહેશે. તે ભારતીય રેલવે વિભાગે પોરબંદર જતી 44 ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. પોરબંદર રેલવે સ્ટેશનની ઉપડતી તમામ ટ્રેનો પણ રદ્દ કરાઇ હતી. વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનથી ઉપડતી પોરબંદર- સિકદ્રાબાદ- પોરબંદર, પોરબંદર- રાજકોટ- પોરબંદર, પોરબંદર- મુંબઈ- પોરબંદર, પોરબંદર-ભાણવડ- કાનાલુશ, પોરબંદર-મુઝફ્ફર, પોરબંદર-દિલ્હી, પોરબંદર-કોચવેલી, દિલ્હી -પોરબંદર, પોરબંદર-સોમનાથ સહિતની અનેક ટ્રેનો 17 જૂન સુધી રદ કરી દેવામાં આવી છે.
પોરબંદરમાં મકાન ધરાશાયી થતા એકનું મોત
પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ભાટિયા બજારમાં એક મકાન ધરાશાયી થયું હતું.
મકાનની અંદર કુલ ત્રણ વ્યક્તિઓ હતા જેમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 42 વર્ષીય લોઢારી પરેશભાઇ નારણભાઇ ફસાઇ ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી તેમને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ પોરબંદરના દરિયા કાંઠે દરિયામાં જબરજસ્ત મૂવમેન્ટ જોવા મળી રહી છે. દરિયા કાંઠે 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના મોજાના કારણે ચોપાટી પરનો પાળો તૂટ્યો હતો. પાળો તૂટવાથી પાળાના પથ્થર ચોપાટીના રસ્તા સુધી પહોંચી ગયા હતા.
વાવાઝોડું 8 જિલ્લાના 16.76 લાખ લોકોને અસર કરશે
બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે. અત્યાર સુધી સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની 15 ટીમ તૈનાત કરાઇ હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ કરવામા આવી હતી. બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારની સ્કૂલોમાં 15 જૂની સુધી રજા જાહેર કરાઇ હતી.