(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Tauktae: આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે વાવાઝોડુ, પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે ટકરાશે
વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 155 થી 165 કિમી રહેવાની શક્યતા છે.
ગાંધીનગર: તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)નું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. વાવઝોડાના પગલે ગુજરાત (Gujarat)માં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 17 તારીખે તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.
ભારતના હવામાન વિભાગે(IMD) અનુસાર, વાવાઝોડુ આગામી 24 કલાકમાં ખૂબજ તીવ્ર બની શકે છે અને તે સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે વહેલી સવારે ટકરાઈ શકે.
વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 155 થી 165 કિમી રહેવાની શક્યતા છે. દરિયાકાંઠે દોઢથી 3 મીટર મોજા ઉછળશે. વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.
ગુજરાતના દરિયાકાંઠાના નિચાણવાળા વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે. 54 NDRFટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વાવાઝોડાને લઈ જાનમાલનું નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર સજ્જ છે. દરિયાકાંઠાના ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. NDRFની વધુ 15 ટીમો ગુજરાત પહોંચી છે આ સાથે જ રાજ્યમાં વાવાઝોડાને લઈ NDRFની કુલ 44 ટીમો તહેનાત કરાઈ છે.
વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના 155-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરુ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.