ડીસા અગ્નિકાંડ: 21 મોતનો જવાબદાર આરોપી યુવા ભાજપનો પૂર્વ નેતા
આરોપી દિપક મોહનાણી ડીસા શહેર યુવા ભાજપ મોરચાનો પૂર્વ મંત્રી, હોદ્દા સાથેનું પોસ્ટર વાયરલ.

Deesa fire incident: ડીસામાં તાજેતરમાં થયેલા ભયાનક અગ્નિકાંડમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટનાના સંબંધમાં પકડાયેલ આરોપી દિપક મોહનાણી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી દિપક મોહનાણી ડીસા શહેર યુવા ભાજપ મોરચાનો પૂર્વ મંત્રી રહી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ, દિપક મોહનાણીની લગભગ સાત વર્ષ પહેલા ડીસા યુવા ભાજપમાં નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે, પાર્ટીના કાર્યક્રમોમાં સમય ન આપતો હોવાના કારણે ભાજપે તેનું રાજીનામું લઈ લીધું હતું. નિયુક્તિના માત્ર દોઢ મહિનામાં જ બનાસકાંઠા યુવા ભાજપ પ્રમુખે તેની જવાબદારી સંભાળી લીધી હતી. આ ઘટના બાદ ડીસા શહેર યુવા ભાજપનો આ પૂર્વ મંત્રી ફટાકડા વિસ્ફોટ કાંડના મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.
દરમિયાન, આરોપી દિપક મોહનાણીનું ભાજપના હોદ્દા સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ પોસ્ટરમાં દિપક મોહનાણી ડીસામાં અગાઉ નીકળેલ રથયાત્રાના પોસ્ટરમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોમાં પોતાના નામ અને હોદ્દા સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે દિપક મોહનાણી અગાઉ ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો હતો.
આમ, ડીસામાં 21 લોકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવેલ આરોપી દિપક મોહનાણી ભૂતકાળમાં ડીસા શહેર યુવા ભાજપ મોરચાનો મંત્રી રહી ચૂક્યો છે અને તેની પાર્ટી સાથેની સંડોવણી દર્શાવતું પોસ્ટર પણ વાયરલ થયું છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.
નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 21 જેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. ફટાકડાની ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ગોડાઉનની છત ધરાશાયી થઈ ગઈ હતી અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા.
આ દુર્ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ડીસા બ્લાસ્ટકાંડના આરોપી દીપક સિંધી અને તેના પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પિતા-પુત્રને પાલનપુર એલસીબીને સોંપવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દીપક સિંધી ભિલોડા સ્ટેટ હાઈ-વે નજીકથી પકડાયો હતો. આ સમગ્ર કેસની તપાસ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે 21 લોકોના મૃત્યુ માટે જવાબદાર દીપક સિંધી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ ઘટના ગુનાહિત બેદરકારીને કારણે બની હતી, જેમાં 21 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે ડીસા અગ્નિકાંડનો આરોપી દીપક સિંધી અગાઉ સાબરકાંઠામાં પણ ફટાકડાનો વેપાર કરતો હતો અને બે વર્ષ પહેલા ત્યાં પણ તેનો વેપાર ચાલતો હતો. પોલીસ હવે દીપક સિંધીની કંપની દીપક ટ્રેડર્સ અંગે પણ તમામ માહિતી એકઠી કરશે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SITની રચના કરવામાં આવી હતી. આ SITમાં ડીવાયએસપીની આગેવાની હેઠળ બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. SITમાં DySP સી.એલ.સોલંકી (ડીસા)ને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા, જ્યારે PI વી.જી. પ્રજાપતિ (ડીસા રુરલ પોલીસ સ્ટેશન), PI એ.જી. રબારી (એસ.ઓ.જી., બનાસકાંઠા), PSI એસ.બી.રાજગોર (LCB, બનાસકાંઠા) અને PSI એન.વી. રહેવર (પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો પણ સમાવેશ કરાયો હતો.
આ ઘટના અંગે બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણાએ ખાતરી આપી હતી કે ગોડાઉનમાં વિસ્ફોટની ઘટના માટે જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ઝડપથી તપાસ પૂર્ણ કરી અને મૃતકોને ન્યાય મળે તે માટે SITની રચના કરવામાં આવી છે. તેમણે મધ્યપ્રદેશના કલેક્ટર અને એસપી સાથે પણ સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને કહ્યું હતું કે આ માફ કરી શકાય તેવી ઘટના નથી અને રાજ્ય સરકાર આ મામલે કાયદેસરના પગલાં લેશે. તેમણે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી.
જો કે, આ ઘટનાને લઈને રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે વહીવટી તંત્રની મિલીભગતના કારણે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ બને ત્યારે માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને મોટા માથાઓ બચી જાય છે. તેમણે દરેક દુર્ઘટના વખતે દેખાડા પૂરતી જ તપાસ કરવામાં આવતી હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી, જ્યારે ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારજનોને PMNRF (પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ)માંથી ૨-૨ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.




















