દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવ ઝુંબેશ શરૂ
રાજ્યમાં ફરી દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝરથી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે.
દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ફરી દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝરથી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે. કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મસ્થળ હર્ષદ ગાંધવી ખાતે ગેરકાયદે બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે. જો કે વિસ્તારના દબાણકારોને 18 જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો કોર્ટમાં પણ ગયા પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરી હતી.
જે બાદ પ્રશાસને દબાણો હટવાવવાની કામગીરી ચાલુ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની આગેવાનીમાં સ્થાનિક રેવન્યુ સ્ટાફે દબાણો પર બુલડોઝરની કામગીરીનું આયોજન કર્યું. પોલીસ અને એસઆરપી સહિતનો સુરક્ષા કાફલો મોડી રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, DYSP સમીર સારડા સહિત આશરે 1200 જેટલા મહિલા કર્મી અને પોલીસ જવાનો જોડાયા હતા. આ પહેલા પણ પોરબંદર, બેટ દ્વારકા સહિતના દરિયાકાંઠામાં પ્રશાસને બુલડોઝરથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું.
જેમાં બેટ દ્વારકામાં બે રાઉન્ડમાં 50 હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. જે જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડથી વધુ થાય છે. ચૂંટણી સમયે જામનગરની સભામાં પ્રધાનમંત્રી મોદીએ પણ બેટ દ્વારકામાં થયેલા ડિમોલિશનની કામગીરીનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના વખાણ કર્યા હતા. જેના થોડા સમય બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ બેટ દ્વારકાની મુલાકાત લઈ અને અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરીના વખાણ કર્યા હતા.
રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.