Junagadh: લીલી પરિક્રમાને લઈ ગરવા ગિરનાર ખાતે ભક્તોનું આગમન શરુ, સુરક્ષાને લઈને પોલીસે કરી ખાસ વ્યવસ્થા
જુનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે ૧૨ નવેમ્બરથી શરૂ થશે. આ પૂર્વે જ ભવનાથ પંથકમાં હાલ પરિક્રમા કરવા માટે ભાવિકોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે.
જુનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે ૧૨ નવેમ્બરથી શરૂ થશે. આ પૂર્વે જ ભવનાથ પંથકમાં હાલ પરિક્રમા કરવા માટે ભાવિકોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં હાલ લીલી પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ ભાવિકોએ ડેરા જમાવ્યા છે. પ્રકૃતિના ખોળે ચૂલા ઉપર રસોઈ બનાવી ભાવિકો અહીં અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે લીલી પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ ભાવિકોનું આગમન થઈ જતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ એ જ પ્રકારના દ્રશ્યો ફરી જોવા મળી રહ્યા છે.
કોઈ ભાવિક પ્રથમ વખત લીલી પરિક્રમા કરવા માટે આવેલ હોવાનું જણાવેલ તો કોઈ આ પૂર્વે પણ અનેક લીલી પરિક્રમા કરી ચૂકેલ હોવાનું ભાવિકોએ જણાવ્યું હતું. તો બીજી તરફ તંત્ર દ્વારા 20 જેટલી પરિક્રમા રૂટ પર રાવટીઓ ઊભી કરી છે. પાણીના 15 પોઇન્ટ બનાવ્યા છે અને 20 જેટલા બોર પણ કર્યા છે. આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધ રહેશે. મહત્વનું છે કે ભવનાથથી ઝીણા બાવા મઢી, માળવેલા અને બોરદેવી સહીતના મહત્વના પડાવ સાથે કુલ 36 કીમીની પરિક્રમા હોય છે. જે આ વર્ષે 12 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે.
લીલી પરિક્રમા પૂર્વે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે. ટ્રાફિક સમસ્યાન સર્જાય તે માટે લોકોને સહકાર આપવા SP હર્ષદ મેહતાએ અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, શહેરના 427 કૅમેરાઓથી સતત નજર રાખવામાં આવશે. 9 Dysp, 27 PI ,92 psi,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRD જવાનો ખડેપગે સુરક્ષા માટે તૈનાત રહેશે. આ ઉપરાંત 1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે. આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, રાવટી 47,વોકોટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.
દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા
ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.
લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.
આ પણ વાંચો...