દિવાળીના દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ લાગી આગ, લાખોનું થયું નુકસાન, કોઈ જાનહાની નહીં
વડોદરામાં પણ દિવાળીના દિવસે આગના બનાવ વધ્યા છે. ફાયર વિભાગને આગના 32 કોલ મળ્યા જેમાં 29 કેસમાં કચરામાં લાગ લાગી. જ્યારે એક મકાનમાં અને એક બંધ દુકાનમાં આગ લાગી હતી.
Fire Incidents Increased on Diwali Day: રાજ્યમાં દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ફટાકડાના ને કારણે અનેક જગ્યાએ આગના બનાવ બન્યા છે. દિવાળીના દિવસે આગ લાગવાના બનાવ વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં ફાયર ઇમરજન્સીને આગના 136 કોલ મળ્યા છે. જો કે મોટા ભાગના કોલ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના મળ્યા હતા.
તો વડોદરામાં પણ દિવાળીના દિવસે આગના બનાવ વધ્યા છે. ફાયર વિભાગને આગના 32 કોલ મળ્યા જેમાં 29 કેસમાં કચરામાં લાગ લાગી. જ્યારે એક મકાનમાં અને એક બંધ દુકાનમાં આગ લાગી હતી. તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા મારુતિ આશ્રમમાં મંડપના સામાનમાં આગ લાગી હતી. મારુતિ આશ્રમ ની બાજુમાંથી પસાર થતી ગેસની લાઈનમાં આગ લાગવાના કારણે આગ આશ્રમના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.
તો રાજકોટમાં પણ જૂના એયરપોર્ટમાં આગની ઘટના બની. ઘાસમાં અચાનક આગ લાગી. જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પણ ફટાકડાના કારણે આગ લાગી હતી. પોલીસ હેડ ક્વોર્ટર નજીક પોલીસની કારમાં આગ લાગી હતી.
સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર કાંટાના કારખાનામાં લાગી આગ હતી. વહેલી સવારે એસ આર પેટ્રોલ પંપ ની સામે આવેલ કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈ સાવરકુંડલા ફાયર વિભાગ અને અમરેલી ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. કારખાનામાં રહેલા પુઠાના બોક્સ બળીને ખાખ થયા હતા. તપાસ બાદ નુકસાનીનો અંદાજ મળી શકશે. એકાદ કલાકની જહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
અમદાવાદમાં આગ
અમદાવાદમાં સુરધારા સર્કલ નજીક આગની ઘટના બની હતી. મેપલ ટ્રી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. બીજા માળે લાગી હતી. મકાનમાં ફસાયેલા 3 લોકોનુ રેસ્ક્યુ કરાયુ હતું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
જામનગરમાં આગ
જામનગરમાં જામજોધપુરનાં આઝાદ ચોક વિસ્તારમાં પ્લાસ્ટિકનાં માલ સામાનનાં ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફટાકડાનો તણખો ઊડતાં આગ લાગી હોવાનું અનુમાન છે. ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિક નો તમામ માલ સામાન બળી ને ખાખ થઈ ગયો છે. જામજોધપુર અને ઉપલેટાના ફાયર બ્રગેડ દ્વાર આગ કાબૂમાં લેવાઈ છે. લાખો રૂપિયા નાં નુકસાન થયું હોવાની સંભાવના છે.