ઓલપાડમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, 58 લાખનો મુદ્દામાલ ઝડપાયો
રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ગાંધીનગર: રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
મોરબીમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન બનાવવાના રેકટનો રેલો સુરતના ઓલપાડ સુધી પહોંચ્યો છે. ઓલપાડના પીંજરત ગામે રોયલ વીલા ફાર્મ બગલોમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના હાથે 400થી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનના બોક્સ મળ્યા છે. આ કેસમાં પોલીસે સુરત, મોરબી અને અમદાવાદથી આરોપીઓની ધરપકડ કરી નકલી ઈંજેક્શનના જથ્થા સહિત કુલ 58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનિય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ઓલપાડમાં તો રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે મોરબીમાં 1 કલાક પહેલા કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં 1117 ઈન્જેક્શન મળી આવ્યા હતા. આમ પોલીસે 55 હજાર જેટલા ઈન્જેક્શન ઝડપી પાડ્યા છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. ત્યારે મોરબી પોલીસે 1 કલાક પહેલા જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.





















