Elections 2024: EPIC કાર્ડ જ નહીં આ 12 દસ્તાવેજોથી પણ કરી શકાશે મતદાન, જાણો વિગતે
Elections: 2024: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
Elections: 2024: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. મતદારોને EPIC કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.
નવા ઓળખકાર્ડ-EPIC માટે અરજી કરનારા મતદારોને સમયસર EPIC કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એમ જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, EPIC કાર્ડ ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે. પરંતુ, આ માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. આથી, તેમણે તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કર્યો હતો.
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.16 કરોડ રોકડ, રૂ. 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, રૂ.14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
મતદાન માટેના વૈકલ્પિક દસ્તાવેજ
ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.
આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
આવશ્યક સેવાકર્મીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે તા.19.03.2024 ના જાહેરનામા ક્રમાંક-52/2024/SDR/Vol.I થી વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. આવશ્યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.